તુર્કી અને અઝરબૈજાનને પાકિસ્તાનનો સાથ ભારી પડ્યો: ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર અને ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ પછી હવે તેની અસર આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહી છે. તુર્કી અને અઝરબૈજાન જેવા દેશો, જેમણે આ સંઘર્ષ દરમિયાન ખુલ્લેઆમ પાકિસ્તાનનો સાથ આપ્યો હતો, હવે ભારતીય પ્રવાસીઓના બોયકોટનો સામનો કરી રહ્યા છે. તાજેતરની રિપોર્ટ અનુસાર મે થી ઑગસ્ટ વચ્ચે અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા 56% ઘટી છે, જ્યારે તુર્કી માટે આ આંકડો 33.3% છે. થોડાં વર્ષો પહેલાં સુધી બંને દેશો ભારતીય પ્રવાસીઓને માટે લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યા હતા, પરંતુ હવે બુકીંગમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
"મેક માય ટ્રિપ" જેવી મુખ્ય ટૂરિઝમ કંપનીઓએ કહ્યું કે, ઓપરેશન સિંદૂરના એક અઠવાડિયા પછી, 14 મેના રોજ તેઓએ નોંધ્યું કે અઝરબૈજાન અને તુર્કી માટે બુકિંગમાં 60% ઘટાડો થયો હતો અને ટિકિટ કેન્સલેશનમાં 250%નો વધારો થયો હતો. કંપનીએ જાહેરમાં કહ્યું, "અમે યાત્રીઓની લાગણીઓને સમજી શકીએ છીએ અને હાલ આ દેશોની 'નોન-એસેન્શિયલ યાત્રા' ટાળવાની સલાહ આપીએ છીએ."
કેટલીક ટ્રાવેલ એજન્સીઓએ તો તુર્કી અને અઝરબૈજાન માટેના ટૂર પેકેજ તથા હોટલ બુકિંગને પણ તાત્કાલિક અસરથી રોકી દીધા છે. તુર્કી અને ભારત વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધોમાં સુધારો થતો જોઈ રહ્યો હતો. બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો થયો હતો અને મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ તુર્કી જતાં હતા. પણ હવે લોકો તેમની યાત્રા બૅન્કોક જેવી વિકલ્પ સ્થળો તરફ ફેરવી રહ્યાં છે.
ઘણા લોકો સોશિયલ મીડિયા પર પણ તુર્કી અને અઝરબૈજાનના બોયકોટની અપીલ કરી રહ્યાં છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જે દેશો ભારતવિરુદ્ધ રાવ આપતા હોય, ત્યાં ન જવું એ જ શ્રેષ્ઠ જવાબ છે. ભારતીય પ્રવાસન બજાર વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તુર્કી અને અઝરબૈજાન માટે ભારતીય ટૂરિસ્ટોનું દોર છૂટી જવું આ દેશોના સ્થાનિક ટૂરિઝમ ઉદ્યોગ માટે મોટો આર્થિક ઝાટકો બની શકે છે.