દક્ષિણ વઝીરીસ્તાનમાં પાકિસ્તાની સેના પર TTP નો હુમલો, 25 સૈનિકોના મોત
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ફરી આતંકનો સાયો ઘેરાયો છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ પાકિસ્તાની સેના પર થયેલા એક મોટા હુમલાની જવાબદારી લીધી છે. સંગઠને દાવો કર્યો છે કે ખૈબર પખ્તૂનખ્વાના દક્ષિણ વઝીરીસ્તાન વિસ્તારમાં આવેલ પાકિસ્તાની સેનાના એક કેમ્પ પર તેના લડવૈયાઓએ હુમલો કર્યો હતો.
આ હુમલામાં 25 પાકિસ્તાની સૈનિકો મોતને ભેટ્યા અને 8 ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. જોકે હજી સુધી પાકિસ્તાની સેના કે કોઈ સ્વતંત્ર સ્ત્રોત તરફથી આ હુમલાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ટીટીફી સાથે જોડાયેલા સંગઠન ધ વોઇસ ઓફ ખુરાસાન”એ મંગળવારે આ હુમલાનો વીડિયો અને નિવેદન જાહેર કર્યો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે સોમવારની રાત્રે પાકિસ્તાની સેનાની એક ચોકી પર હુમલો કરવામાં આવ્યો હતો.
ટીટીફીનો દાવો છે કે હુમલા દરમિયાન પાકિસ્તાની ડ્રોનને પણ નષ્ટ કરવામાં આવ્યો અને સંગઠને આ સૈન્ય ચોકી પર કબજો મેળવી લીધો છે.
આ હુમલો ત્યારે થયો છે જ્યારે પાકિસ્તાન સરકારએ TTP સામે કડક વલણ અપનાવ્યું છે. સોમવારે પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફએ સ્પષ્ટ કર્યું હતું કે સરકાર હવે ટીટીફી સાથે કોઈપણ વાતચીત નહીં કરે.
તેમણે કહ્યું કે પાકિસ્તાન માત્ર અફઘાન તાલિબાન સાથે સંવાદ કરવા તૈયાર છે, પરંતુ આતંકી સંગઠનો સાથે કોઈ વાટાઘાટ નહીં થાય.