ટ્રમ્પના કાર ટેરિફથી વૈશ્વિક બજારોમાં હલચલ, કંપનીના શેર્સમાં કડાકો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયાતી કાર અને તેના ભાગો પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાતથી વૈશ્વિક કાર ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે એશિયા, યુરોપ અને અમેરિકાના બજારોમાં મંદી જોવા મળી હતી. અનેક ઑટોમેકર્સના શેર્સના ભાવમાં ઘટાડો થયો.
ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે, ટ્રમ્પની જાહેરાત બાદ યુરોપિયન યુનિયન અને કેનેડા બદલો લેવા માટે એકઠા થયા છે. બદલાના પગલાંની ચર્ચાએ વિશ્વભરમાં વેપાર યુદ્ધની સંભાવના વધારી છે. અમેરિકામાં નિકાસ થતી બધી કાર અને કેટલાક ઑટો પાર્ટ્સ પર ટેરિફ 3 એપ્રિલથી લાગુ થવાના છે. કેનેડા, મેક્સિકો, જાપાન અને દક્ષિણ કોરિયા સાથે, યુએસ વાહન આયાતમાં લગભગ 75 ટકા હિસ્સો ધરાવે છે. જર્મન નેતા રોબર્ટ હેબેકે જણાવ્યું હતું કે, હવે યુરોપિયન યુનિયન માટે ટેરિફ સાથે નિર્ણાયક પ્રતિક્રિયા આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કેનેડાએ કહ્યું છે કે, આવતા અઠવાડિયે ટેરિફની જાહેરાત કરીને જવાબ આપશે. સીએનએનના અહેવાલ મુજબ કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નેએ કેબિનેટની બેઠકમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ધમકીઓ અંગે ચર્ચા કરી. બાદમાં તેમણે ઓટાવામાં પત્રકારોને જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચેના સંબંધોમાં પરિવર્તનની અપેક્ષા છે. હવે કેનેડાએ અમેરિકા પરની પોતાની નિર્ભરતા ઘણી હદ સુધી ઘટાડવી પડશે. કેનેડિયન નેતાએ કહ્યું કે, અમેરિકા હવે તેનો વિશ્વસનીય ભાગીદાર નથી.