ટ્રમ્પને નોબેલની ઈચ્છા હતી પણ FIFAએ શાંતિ પુરસ્કાર આપ્યો, સન્માન સમારોહમાં નરેન્દ્ર મોદીની ક્લિપ દર્શાવાઈ
નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની ઈચ્છા રાખનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આખરે શાંતિ પુરસ્કાર મળી ગયો છે. આ પુરસ્કાર તેમને ફૂટબોલની આંતરરાષ્ટ્રીય સંસ્થા ફીફા (FIFA) દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિને સન્માનિત કરવા માટે વોશિંગ્ટનના કેનેડી સેન્ટરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રમ્પને તેમની સેવાઓ બદલ ગોલ્ડ ટ્રોફી અને મેડલથી સન્માનિત કરાયા હતા.
ટ્રમ્પ લાંબા સમયથી દાવો કરી રહ્યા છે કે તેમણે અનેક યુદ્ધો અટકાવ્યા છે અને આ શાંતિ પ્રયાસો બદલ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ. જોકે, આ થઈ શક્યું નહોતું. હવે ફીફાએ દુનિયામાં શાંતિ સ્થાપિત કરવામાં યોગદાન આપવા બદલ ટ્રમ્પને આ પુરસ્કારથી નવાજ્યા છે. ફીફાએ આ વર્ષથી જ શાંતિ પુરસ્કાર આપવાનું શરૂ કર્યું છે. આ એવોર્ડ તે વ્યક્તિઓને આપવામાં આવે છે જેઓ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવામાં યોગદાન આપી રહ્યા છે અને લોકોને જોડવાનું કામ કરી રહ્યા છે.
પુરસ્કાર આપતા પહેલા સન્માન સમારોહમાં ટ્રમ્પની એક ક્લિપ પણ ચલાવવામાં આવી હતી. આ ક્લિપમાં અમેરિકી રાષ્ટ્રપતિના કૂટનૈતિક પ્રયાસોની સાથે-સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિતના તમામ વૈશ્વિક નેતાઓ સાથેની તેમની વાતચીતની એક ઝલક દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગ્રે ટ્રમ્પે કહ્યું કે, "આ ખરેખર મારા જીવનનું એક મહાન સન્માન છે. પુરસ્કારથી વધુ મહત્વનું એ છે કે અમે કરોડો લોકોની જિંદગી બચાવી. કોંગો તેનું એક ઉદાહરણ છે. ભારત-પાકિસ્તાન સહિત અનેક સંઘર્ષોને રોકવામાં પણ અમે મદદ કરી."
ટ્રમ્પે આ અવસરે ફરી એકવાર વૈશ્વિક સંઘર્ષોને ખતમ કરવાના પોતાના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો અને આ સંદર્ભમાં નોબેલ શાંતિ પુરસ્કાર માટેની તેમની ઉમેદવારીનો દાવો પુષ્ટિ કરી હતી. જોકે, આ વર્ષનો 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર નોર્વેજિયન નોબેલ સમિતિ દ્વારા વેનેઝુએલાના લોકો માટે લોકતાંત્રિક અધિકારોને પ્રોત્સાહન આપવા બદલ મારિયા કોરિના મચાડોને એનાયત કરવામાં આવ્યો હતો.