ટ્રમ્પ સરકારનું નવુ ફરમાન: ડાયાબિટીસ, મોટાપો કે ગંભીર બીમારી ધરાવતા લોકોને અમેરિકામાં “NO ENTRY”!
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને વિદેશી નાગરિકો માટે નવી વીઝા માર્ગદર્શિકા (Visa Guidelines) જાહેર કરી છે, જે આરોગ્ય સંબંધિત કડક નિયમો લાદે છે. નવી નીતિ અનુસાર, જો કોઈ વિદેશી નાગરિકને ડાયાબિટીસ, મોટાપો અથવા કેન્સર જેવી ગંભીર બીમારી હોય, તો તેને હવે અમેરિકાનો વિઝા મેળવવામાં ભારે મુશ્કેલી પડશે.
અમેરિકાના વિદેશ વિભાગે વિશ્વભરના દૂતાવાસો અને કાઉન્સ્યુલેટને સ્પષ્ટ સૂચના આપી છે કે વિઝા ઇન્ટરવ્યુ દરમિયાન એવા અરજદારોને “અયોગ્ય” ગણવામાં આવે, જેઓના આરોગ્યને જોતા એવું લાગે કે તેમને ભવિષ્યમાં મોંઘી તબીબી સારવાર અથવા સરકારી સહાય (Public Benefits)ની જરૂર પડી શકે છે.
ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે આ પગલાનો હેતુ અમેરિકાના જાહેર આરોગ્ય ખર્ચ પર વધતો ભાર અટકાવવાનો છે. પ્રશાસન માને છે કે ગંભીર આરોગ્ય સમસ્યાઓ ધરાવતા વિદેશી લોકો અમેરિકામાં આવીને સરકારી તબીબી સહાય પર આધારિત ન બને, જેથી ટેક્સપેયર્સ પર આર્થિક બોજો ન પડે.
એક રિપોર્ટ મુજબ, દૂતાવાસ અધિકારીઓને મોકલાયેલા પત્રમાં સ્પષ્ટ લખાયું છે કે અરજદારોની ઉંમર, આરોગ્ય અને આર્થિક સ્થિતિની વિગતવાર તપાસ કરવી જોઈએ. જો કોઈ વ્યક્તિને ભવિષ્યમાં મોંઘી સારવારની જરૂર પડે તેવી શક્યતા હોય, તો તેમનો વિઝા રદ્દ કરી શકાય છે.
આ નીતિ એવા સમયે જાહેર થઈ છે જ્યારે વિશ્વની લગભગ 10% વસ્તી ડાયાબિટીસથી પીડાઈ રહી છે અને હૃદયરોગો વૈશ્વિક સ્તરે મૃત્યુના મુખ્ય કારણોમાંના એક છે. નિષ્ણાતો માને છે કે આ નિર્ણયથી લાખો લોકોનું અમેરિકામાં જવાનું સ્વપ્ન તૂટી શકે છે. ટ્રમ્પ પ્રશાસનનો આ નિર્ણય માનવ અધિકાર જૂથો અને આરોગ્ય સંસ્થાઓ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે તે “બીમાર લોકોને ભેદભાવના આધારે નકારી કાઢે છે.”