ટ્રમ્પે અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને પાછા મોકલ્યા, પહેલી ફ્લાઈટ દિલ્હી માટે રવાના
અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને પ્રથમ ફ્લાઈટ નવી દિલ્હી જવા રવાના થઈ છે. અમેરિકન પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું કે ભારતીયોને C-17 એરક્રાફ્ટ દ્વારા પરત મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવાની વાત કરી હતી.
ન્યૂઝ એજન્સી અનુસાર, એક અધિકારીએ આ અંગે માહિતી આપી છે. આ દર્શાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી તેજ કરી છે. જો કે આ વિમાનમાં કેટલા ભારતીયો છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે તેઓ અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટા સામૂહિક દેશનિકાલ કરશે. ટ્રમ્પ વહીવટીતંત્રે શરૂઆતમાં કુલ 15 લાખ લોકોની યાદી તૈયાર કરી છે અને તેમાંથી 18 હજાર ભારતીયો છે.
મોટી સંખ્યામાં ગેરકાયદેસર ભારતીય વસાહતીઓ રહે છે
અનુમાન મુજબ, યુએસમાં અંદાજે 7.25 લાખ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ રહે છે અને આશ્ચર્યજનક છે કે મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની આ ત્રીજી સૌથી મોટી વસ્તી છે.
ટ્રમ્પ અને મોદી વચ્ચે વાતચીત થઈ હતી
જાન્યુઆરીમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી "જે યોગ્ય છે તે કરશે", ભલે તેનો અર્થ યુએસમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય ઇમિગ્રન્ટ્સને પરત લેવાનો હોય. આ નિવેદન બંને નેતાઓ વચ્ચે ફોન કોલ બાદ આવ્યું છે. ફોન પર વાતચીત દરમિયાન
બંને નેતાઓએ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.
દરમિયાન, પેન્ટાગોને 5,000 થી વધુ ઇમિગ્રન્ટ્સને યુએસની બહાર મોકલવા માટે લશ્કરી ફ્લાઇટ્સનું આયોજન કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી, ઇમિગ્રન્ટ્સને ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસ મોકલવામાં આવ્યા છે.