2 એપ્રિલથી વિદેશી કારોની આયાત પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓટો આયાત પર ભારે ટેરિફની જાહેરાત કરી હતી. વ્હાઇટ હાઉસે માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિદેશમાં બનેલા વાહનો પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ પગલાથી ઓટો સેક્ટરમાં ઘમાસણ થઈ શકે છે. કારણ કે ટ્રમ્પના આ પગલાથી વ્યવસાયિક ભાગીદારો સાથે તણાવ વધશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું હતું કે, અમે જે કરવા જઈ રહ્યા છીએ તે એ છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં ન બનેલી બધી કારો પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. જો તે યુનાઇટેડ સ્ટેટ્સમાં બનાવવામાં આવે છે તો તેના પર કોઈ ટેરિફ લાગશે નહીં. આ પગલું 2 એપ્રિલથી અમલમાં આવશે અને તે વિદેશી બનાવટની કાર અને હળવા ટ્રક પરના હાલના ટેરિફ ઉપરાંત હશે.
અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી હતી કે ઉત્પાદકો માટે ખર્ચ વધી શકે છે
અગાઉ કેનેડા અને ચીનથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ લાદવામાં આવતા હતા. જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ બન્યા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાના મુખ્ય વેપારી ભાગીદારો કેનેડા, મેક્સિકો અને ચીનથી થતી આયાત પર ટેરિફ લાદી દીધા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ટેરિફ પણ લાદ્યો છે. નીતિગત અનિશ્ચિતતા અને પહેલાથી જ મુશ્કેલીમાં મુકાયેલા વ્યવસાયો માટે વધારાનો ટેરિફ બીજો ફટકો હશે. જેના વિશે અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી હતી કે ઉત્પાદકો માટે ખર્ચ વધી શકે છે. જો કંપનીઓ તેમને પરવડી શકે તેમ ન હોય તો આ ખર્ચ આખરે ગ્રાહકો પર લાદવામાં આવી શકે છે.
અનિશ્ચિતતા અને મંદીના ભયે નાણાકીય બજારોને હચમચાવી દીધા છે
મુખ્ય ઓટોમેકર ફોર્ડના શેરમાં 1.8 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે જનરલ મોટર્સના શેરમાં 1.9 ટકાનો ઘટાડો થયો હતો. ઓટોમોબાઈલ ઉદ્યોગ ઉપરાંત ટ્રમ્પ ફાર્માસ્યુટિકલ્સ અને સેમિકન્ડક્ટર જેવા ઉદ્યોગો પર વ્યાપક ક્ષેત્ર-વિશિષ્ટ ટેરિફ લાદવા પર પણ નજર રાખી રહ્યા છે. બુધવારે ઓટો જાહેરાત 2 એપ્રિલ પહેલા આવી છે, જેને રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા માટે મુક્તિ દિવસ તરીકે ઓળખાવ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની વેપાર યોજનાઓ અંગેની અનિશ્ચિતતા અને મંદીના ભયે નાણાકીય બજારોને હચમચાવી દીધા છે.