ટ્રમ્પે યુએસ સંસદમાં 13 વર્ષના ડીજે ડેનિયલ્સની સિક્રેટ સર્વિસ એજન્ટ તરીકે નિમણૂકની જાહેરાત કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. આ સમય દરમિયાન ટ્રમ્પે કેટલાક એવા કામ કર્યા જેને બધાનું દિલ જીતી લીધુ. ટ્રમ્પે યુએસ સંસદમાં 13 વર્ષના ડીજે ડેનિયલ્સની સિક્રેટ સર્વિસ એજન્ટ તરીકે નિમણૂકની જાહેરાત કરી.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે 13 વર્ષના બાળક, ડીજે ડેનિયલને સિક્રેટ સર્વિસ એજન્ટ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી. ડીજે ડેનિયલ કેન્સરથી પીડાઈ રહ્યો છે અને તેનું સ્વપ્ન પોલીસ અધિકારી બનવાનું હતું. બાળકની હાલત જોઈને ટ્રમ્પે તેને સિક્રેટ સર્વિસ એજન્ટ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો.
જ્યારે ટ્રમ્પે યુએસ સંસદમાં આ જાહેરાત કરી ત્યારે ડીજે પણ તેમના પરિવાર સાથે ગેલેરીમાં હાજર હતો. આખા ગૃહે ડીજેને ઉભા થઈને તાળીઓથી વધાવી લીધો. 13 વર્ષના ડીજેને યુએસ સંસદમાં બધાની સામે સિક્રેટ સર્વિસ એજન્ટનો બેજ આપવામાં આવ્યો. આ દરમિયાન લોકોએ ડીજેને પોતાના ખભા પર ઉંચકી લીધો.
ટ્રમ્પે કહ્યું કે 'ડીજે ડેનિયલ 2018થી એક દુર્લભ કેન્સરથી પીડિત છે અને ડોક્ટરોએ તેમને કહ્યું હતું કે તેમની પાસે જીવવા માટે ફક્ત 5 મહિના બાકી છે, પરંતુ બધી મુશ્કેલીઓ છતાં, ડીજે લડ્યો અને આજે 6 વર્ષ વીતી ગયા છે.' કેન્સર સામે ઝઝૂમી રહેલા ડીજેએ પોલીસ અધિકારી બનવાના પોતાના સ્વપ્નને ક્યારેય છોડ્યું નહીં.
ટ્રમ્પે ડીજેને સિક્રેટ સર્વિસ એજન્ટ બનાવવાની જાહેરાત કરતા જ આખું ગૃહ ભાવુક થઈ ગયું અને બંને પક્ષના સાંસદોએ ઉભા થઈને ડીજે અને તેમના પરિવારના સન્માનમાં તાળીઓ પાડી. આ સમય દરમિયાન, યુએસ સંસદમાં સાંસદોએ ડીજે...ડીજેના નારા લગાવ્યા. આ પછી, સીન કુરનએ ડીજેને સિક્રેટ સર્વિસ એજન્ટનો સત્તાવાર બેજ આપ્યો. આનાથી ખુશ થઈને, ડીજેએ કુરાનને ગળે લગાવ્યો.