યુક્રેન યુદ્ધવિરામ પર મુદ્દે અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિનની બેઠક મળશે
યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની વધતી આશાઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે આવતા શુક્રવારે એક મહત્વપૂર્ણ બેઠક કરવાની જાહેરાત કરી છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે અમેરિકાએ ભારત પર 25 ટકા વધારાનો કર લાદ્યો છે, જે રશિયાથી તેલ ખરીદવાના કારણે લાદવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું, “મારી અને પુતિનની લાંબા સમયથી અપેક્ષિત બેઠક આગામી શુક્રવાર, 15 ઑગસ્ટ 2025ના રોજ અમેરિકાના અલાસ્કામાં થશે.” તેમણે જણાવ્યું કે આગળની માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે. આ જાહેરાત એટલા માટે આશ્ચર્યજનક હતી કારણ કે ગુરુવારે જ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ પુતિનથી “ખૂબ નિરાશ” છે, જોકે તેમણે વાતચીતમાં પ્રગતિ થવાની વાત પણ કરી હતી. પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું, “મને લાગે છે કે રાષ્ટ્રપતિ પુતિન શાંતિ ઈચ્છે છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ પણ હવે શાંતિ ઈચ્છે છે. તાજેતરની ઘટનાઓ આ દિશામાં આગળ વધવામાં મદદ કરી શકે છે.” તેમણે ભારત સાથે જોડાયેલા મુદ્દા પર ટિપ્પણી કરી નહોતી, જે 25 ટકાના કરના મુદ્દા સાથે સંબંધિત હતો.
બુધવારે ટ્રમ્પે ભારતનું નામ લઈને કહ્યું હતું કે રશિયાથી તેલ ખરીદવા પર 25 ટકા કર લાદવામાં આવશે. તેને રશિયા પર આર્થિક દબાણ લાવવાનો પ્રયાસ માનવામાં આવ્યો, જેથી ભારત મોસ્કોને તેલમાંથી થતી આવક ઓછી કરી શકે.બેઠકની તૈયારી માટે પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને અમેરિકાની સાથે યુક્રેન મુદ્દે થયેલી વાતચીતની માહિતી આપી. રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું કે, “ભારત અને રશિયાના વિશેષ સંબંધોને ધ્યાનમાં રાખીને, પુતિને અમેરિકાના રાષ્ટ્રપતિના વિશેષ દૂત સ્ટીવન વિટકોફ સાથે થયેલી બેઠકના મુખ્ય પરિણામો જાહેર કર્યા.” ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, “વડાપ્રધાન મોદીએ પુતિનનો આભાર માન્યો અને ભારતની માન્યતા પુનરાવર્તિત કરી કે વિવાદનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે થવો જોઈએ.”
શુક્રવારે ટ્રમ્પ દ્વારા રશિયા પર નવા પ્રતિબંધો લાદવાની અંતિમ તારીખ હતી, જેમાં રશિયાથી ઊર્જા ખરીદતા દેશો પર પણ વધારાનો કર લગાવવાનો ઉલ્લેખ હતો. પરંતુ હવે બેઠક નક્કી થતાં તેમણે નવા પ્રતિબંધો લાગુ કર્યા નથી. રશિયન પ્રવક્તા યૂરી ઉશાકોવે પણ બેઠકની પુષ્ટિ કરી અને જણાવ્યું, “રશિયા અને અમેરિકા પાડોશી દેશો છે, તેથી બંને દેશોના નેતાઓની આટલી મહત્વપૂર્ણ અને લાંબા સમયથી અપેક્ષિત બેઠક અહીં થવી સંપૂર્ણ સ્વાભાવિક છે.” અલાસ્કા રશિયાથી લગભગ 90 કિલોમીટર દૂર છે, જેને બેરિંગ જળસંધિ અલગ કરે છે. ટ્રમ્પનું કહેવું છે કે તેમની રાષ્ટ્રપતિ પુતિન સાથે ખૂબ સારી વાતચીત થઈ છે અને શાંતિ માટેની “ખૂબ સારી સંભાવના” છે. જોકે યુદ્ધવિરામ વહેલામાં વહેલું થઈ શકે છે, પરંતુ કરાર જટિલ બનવાની સંભાવના છે. ટ્રમ્પે આ વાત સ્વીકારી અને કહ્યું કે ઝેલેન્સ્કી “કોઈ કરાર પર હસ્તાક્ષર કરવા માટે” જરૂરી બધી વસ્તુઓ મેળવવા “ખૂબ મહેનત” કરી રહ્યા છે.