ટ્રમ્પે સ્વીકાર્યું કે વધારે ટેરિફ લગાવવાથી ભારત સાથેના સંબંધોમાં તણાવ ઉભો થયો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ભારે ટેરિફ લાદવાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો છે. પરંતુ તેમણે બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો પર સકારાત્મક વલણ અપનાવ્યું. એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારત પર 50 ટકા ટેરિફ લાદવો એ અમેરિકા માટે મુશ્કેલ બાબત હતી. યુદ્ધનો અંત લાવવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર દબાણ કરવાના વ્યાપક પ્રયાસના ભાગ રૂપે પોતાના પગલાંનો બચાવ કરતા ટ્રમ્પે કહ્યું કે તેઓ ટેરિફ સહિત આર્થિક પગલાં દ્વારા રશિયા સામે કડક પગલાં લેશે.
આ દરમિયાન ભારતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના રાજદૂત પદ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નામાંકિત સર્જિયો ગોરે ગુરુવારે સેનેટમાં ભારતને એક મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું. ગોરે સંરક્ષણ અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવાનું પણ વચન આપ્યું હતું. રશિયન તેલના મુદ્દા પર ગોરે કહ્યું કે ભારતને રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા માટે સમજાવવું ટ્રમ્પ વહીવટીતંત્રની ટોચની પ્રાથમિકતા છે. ગોરે એમ પણ કહ્યું હતું કે ભારત અને અમેરિકા વેપાર સોદાની નજીક છે. ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે યુએસ વહીવટીતંત્રે ભારત સાથે વેપાર વાટાઘાટો ફરી શરૂ કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના ખૂબ જ ખાસ મિત્ર ગણાવ્યા અને કહ્યું કે તેઓ આગામી અઠવાડિયામાં તેમની સાથે વાત કરવા માટે આતુર છે. ટ્રમ્પની ટિપ્પણીના જવાબમાં પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારત-અમેરિકા સંબંધોની મજબૂતાઈનો પુનરોચ્ચાર કર્યો અને વર્તમાન વેપાર વાટાઘાટોના સકારાત્મક પરિણામમાં વિશ્વાસ વ્યક્ત કર્યો.