ટ્રમ્પ પ્રશાસને જનરિક દવાઓ પર ટેરિફ લગાવવાની યોજના હાલ પુરતી ટાળી, ભારતને મળી રાહત
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ અત્યાર સુધી અનેક દેશોની અર્થવ્યવસ્થાઓને અસર કરી છે, જેમાં ભારત પણ સામેલ છે. જોકે હવે એક રાહતભર્યો નિર્ણય આવ્યો છે, ટ્રમ્પ પ્રશાસને જનરિક દવાઓ પર ટેરિફ લગાવવાની યોજના હાલ માટે ટાળી દીધી છે. આ નિર્ણય ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે મોટી રાહત સાબિત થયો છે, કારણ કે અમેરિકામાં ઉપયોગ થતી મોટાભાગની સસ્તી દવાઓ ભારતમાંથી નિકાસ થાય છે. જો ટેરિફ લાગુ કરવામાં આવત, તો ભારતીય દવાઓના ભાવ અમેરિકન બજારમાં વધી જતા અને તેમની માંગ ઘટતી.
મેડિકલ ડેટા એનાલિટિક્સ કંપનીના આંકડા મુજબ, અમેરિકામાં ઉપયોગ થતી લગભગ 47% જનરિક દવાઓ ભારતમાંથી આવે છે. આટલી મોટી હિસ્સેદારીને કારણે ભારતને વારંવાર “Pharmacy of the World” તરીકે ઓળખવામાં આવે છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને એન્ટીબાયોટિક જેવી જીવનરક્ષક દવાઓ અમેરિકામાં ભારતીય કંપનીઓ પાસેથી મોટા પ્રમાણમાં આયાત થાય છે. આ દવાઓ સ્થાનિક ઉત્પાદન કરતા ઘણી સસ્તી પડે છે, જેના કારણે અમેરિકન નાગરિકોને સીધી રાહત મળે છે.
અહેવાલ અનુસાર, ટ્રમ્પ પ્રશાસને પહેલા જનરિક દવાઓ અને API (કાચામાલ) પર ટેરિફ લગાવવાની કવાયત શરૂ કરી હતી, પરંતુ, અમેરિકન વાણિજ્ય વિભાગે સલાહ આપી કે આ દાયરાને મર્યાદિત કરવામાં આવે, કારણ કે, ટેરિફ લાગવાથી અમેરિકામાં દવાઓના ભાવમાં વધારો અને સપ્લાયમાં અછત (shortage) ઊભી થઈ શકે. ટ્રમ્પની ટેરિફ નીતિએ છેલ્લા કેટલાક મહિનાઓમાં ચીનથી લઈને યુરોપ સુધી મોટો પ્રભાવ પાડ્યો છે. ચીન પર આયાત શુલ્ક લગાવ્યા બાદ ચીને અમેરિકન કૃષિ ઉત્પાદનોની ખરીદી બંધ કરી, જેના કારણે અમેરિકન ખેડૂતોને ભારે નુકસાન થયું. જો ભારતની દવાઓ પર ટેરિફ લાગુ થાય, તો તેની અમેરિકાની હેલ્થ સિસ્ટમ પર ગંભીર અસર પડી શકતી. ભારતીય સસ્તી અને વિશ્વસનીય દવાઓ વગર, અમેરિકન દર્દીઓને સારવાર માટે વધારે ખર્ચો કરવો પડ્યો હોત.
ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ દુનિયાભરમાં જનરિક દવાઓના ક્ષેત્રમાં અગ્રેસર છે. ભારતીય કંપનીઓ અમેરિકા, યુરોપ, આફ્રિકા અને એશિયાના અનેક દેશોમાં ઉચ્ચ ગુણવત્તાની અને સસ્તી દવાઓ પહોંચાડે છે. અમેરિકન બજાર ભારત માટે સૌથી મોટું નિકાસ ગંતવ્ય છે, જ્યાં દર વર્ષે અબજો ડોલરની દવાઓ મોકલવામાં આવે છે. તેથી ટ્રમ્પ પ્રશાસનનો આ નિર્ણય ભારતીય કંપનીઓ માટે મોટી રાહત અને આર્થિક સ્થિરતાનો સંકેત આપે છે.