કચ્છમાં હાઈવેની જર્જરિત હાલત સામે ટ્રક-ટ્રાન્સપોર્ટરો 10મી સપ્ટેમ્બરથી આંદોલન કરશે
- હાઈવે પર ઠેર ઠેર ખાડા પડતા વાહનોને નુકસાન થઈ રહ્યુ છે,
- કચ્છમાં 5 ટોલનાકાની રોજની કરોડની આવક છતાં હાઈવેને મરામત કરાયો નથી,
- સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે જો રોડ સારા ન હોય તો ટોલ ઉઘરાવવાનો અધિકાર નથી
ભૂજઃ કચ્છમાં દેશના મોટા બે બંદરો અને અનેક ઉદ્યોગો આવેલા છે. તેના લીધે માલવાહક વાહનોની હાઈવે પર સતતઅવર-જવર જોવા મળતી હોય છે. પણ છેલ્લા ઘણા વખતથી હાઈવેની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. હાઈવે પર મોટા ખાડાઓ પડતા વાહનોને નુકસાન થઈ રહ્યું છે. જિલ્લામાં 5 ટોલનાકા દ્વારા રોજ કરોડો રૂપિયાનો ટોલ વસુલવા છતાયે હાઈવેને મરામત કરવામાં આવતો નથી. ત્યારે કચ્છના ટ્રક-ટ્રાન્સપોર્ટરોએ તા. 10મી સપ્ટેમ્બરથી આંદોલન કરવાનો નિર્ણય લીધો છે.
ટ્રક-ટ્રાન્સપોર્ટ એસોના કહેવા મુજબ કચ્છનો નેશનલ હાઈવેની બિસ્માર હાલત બની છે. જિલ્લામાં આવેલા પાંચ ટોલગેટ આડેસર, સુરજબારી, સામખિયાળી, મોખા અને ખાવડા થકી દૈનિક ધોરણે અંદાજે 4 કરોડ જેટલી આવક નેશનલ હાઈવે ઓથોરિટી કરી રહ્યું છે. પરંતુ રોડ રસ્તાઓની હાલત અત્યંત ખસ્તા છે, જેનો ભોગ વાહનોની ક્ષમતા પર તો પડે જ છે સાથે મહામુલી માનવજીંદગીઓ પણ જઈ રહી છે. વિવિધ સ્તરે અનેક રજુઆતો કરવા છતાયે તંત્ર દ્વારા દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છના અલગ અલગ ટ્રાન્સપોર્ટ સંગઠનો એકમંચ પર આવીને આગામી 10મી સપ્ટેમ્બરથી ‘નો રોડ, નો ટોલ’ નું રણશીંગુ ફુંકવા તૈયાર થઈ ગયા છે.
ટ્રાન્સપોર્ટ ઉધોગના અગ્રણીઓએ જણાવ્યું કે કચ્છ જિલ્લાના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશન છેલ્લા ઘણા સમયથી કચ્છના તમામ ખરાબ ટોલ રોડ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી સામે ‘નો રોડ, નો ટોલ’ ની મુહીમ ચલાવી રહ્યું છે. તેમ છતાં આજદિન સુધી કચ્છનો એક પણ ટોલ રોડ રીપેરીંગ કરવામાં આવ્યો નથી. જેથી 10મીથી આ મુહીમ શરૂ થશે અને એક પણ ટોલ ટેકસ ચૂકવવામાં આવશે નહીં, આ સ્વેચ્છીક હડતાળમાં જનતા, વ્યાપારીઓ, ઓધોગિક સંસ્થાનો પણ જોડાશે. આ બાબતે કચ્છના તમામ એસોસિયેશન દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટી (સેન્ટ્રલ), નેશનલ હાઈવે ડીપાર્ટમેન્ટ (સ્ટેટ), માર્ગ અને મકાન વિભાગ, દીનદયાલ પોર્ટ, પુર્વ અને પશ્ચીમના એસપી, કલેક્ટર તથા ધારાસભ્યને પણ જાણ કરાઈ છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દ્વારા પણ જણાવામાં આવ્યું છે કે જો રોડ સારા ના હોય તો ટોલ કંપની ને ટોલ લેવાનો અધિકાર નથી. આ બાબતની જાણ કચ્છ જિલ્લાના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સબંધીત એજન્સીઓને જાણ કરીને જો તાત્કાલિક અસરથી સમારકામ કરવામાં નહીં આવે અને આ દરમિયાન કોઈ ઘટના બનશે તેની જવાબદારી સબંધિત વિભાગ અને અધિકારીઓની રહેશે તેમ જણાવ્યું હતું.