જામનગર નજીક હાઈવે પર ટ્રકનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, ટ્રકચાલકનું મોત
- ટ્રકચાલક કૂદકો મારીને ઉતરતા તેની જ ટ્રકના પાછલના વ્હીલ ફરી વળ્યા
- અનાજ ભરેલો ટ્રક લાલપુર બાયપાસથી અમદાવાદ જઈ રહ્યો હતો
- ટ્રક ફંગોળાઈને રોડ સાઈડ પર ઉતરી ગયો
જામનગરઃ જિલ્લાના હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે જામનગર નજીક મોરડંકા ગામના પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ગઈકાલે રાતના સમયે અનાજ ભરેલી એક ટ્રક અમદાવાદ જઈ રહી હતી, ત્યારે ટ્રકનું ટાયર ફાટતા ટ્રકચાલકે ટ્રક પરનો કાબુ ગુમાવ્યો હતો. દરમિયાન બચવા માટે ટ્રકચાલકે ટ્રકની કેબીનમાંથી કૂદકો માર્યો હતોય ત્યારે ટ્રક ડ્રાઇવર પર પાછલા વ્હીલનો જોટો ફરી વળતાં તેનું મોત નીપજ્યું હતુ.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર તાલુકાના દેવપરા ગામનો વતની અને ટ્રક ડ્રાઇવિંગ કરતો કેશુભા પોલાભા માણેક નામનો 40 વર્ષનો યુવાન ટ્રકચાલક જીજે 37 ટી 6945 નંબરનો ટ્રક લઈને તેમાં અનાજનો જથ્થો ભરીને લાલપુર બાયપાસથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન રાત્રિના 11.00 વાગ્યાના અરસામાં મોરકંડા ગામના પાટીયા પાસે એકાએક ટ્રકનું ટાયર ફાટ્યું હતું, અને ચાલુ ટ્રક માર્ગ પર ફંગોળવા લાગ્યો હતો. જેથી તેમાંથી બચવા માટે ટ્રકનો ડ્રાઇવર કેશુભા માણેક કે જેણે કૂદકો મારી દીધો હતો, પરંતુ દુર્ભાગ્યવશ ટ્રકના જોટાની નીચે આવી ગયો હતો, અને ટ્રકનો જોટો તેના ઉપરથી ફરી વળ્યો હતો, અને રોડથી નીચે ઉતરીને ટ્રક ખાંગો બની ગયો હતો. જે અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતની પોલીસ ટુકડી મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને ટ્રકના જોટાની નીચે ફસાયેલા કેશુભા માણેકના મૃતદેહને બહાર કઢાવી લઈ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું
આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતની પોલીસ ટુકડી મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને ટ્રકના જોટાની નીચે ફસાયેલા કેશુભા માણેકના મૃતદેહને બહાર કઢાવી લઈ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, જ્યારે આ અકસ્માતના બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.