પાકિસ્તાન સાથેની પશ્ચિમ સરહદ પર ત્રિશુલ કવાયત 13 તારીખ સુધી યોજાશે
નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથેની પશ્ચિમ સરહદ પર કવાયત ત્રિશુલ ચાલી રહી છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, ડાયરેક્ટર જનરલ વાઇસ એડમિરલ એ.એન પ્રમોદે જણાવ્યું કે, આ કવાયત આ મહિનાની 13 તારીખ સુધી યોજાશે. ભારતીય સેનાનો દક્ષિણ કમાન્ડ, ભારતીય નૌકાદળનો પશ્ચિમ કમાન્ડ, વાયુસેનાનો દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન્ડ, તેમજ કોસ્ટ ગાર્ડ, બીએસએફ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ ત્રિશુલ કવાયતમાં ભાગ લઈ રહી છે. વાઇસ એડમિરલ પ્રમોદે જણાવ્યું હતું કે આ કવાયતનો હેતુ તમામ દરિયાઈ દળો તેમજ આંતર-સેવાઓ વચ્ચે તાલમેલ વધારવાનો છે.
ભારતે ગુરુવારે કચ્છ સરહદે ત્રિ સેવા લશ્કરી કવાયત ત્રિશૂલ 2025 શરૂ કરી છે જેના પડઘા છેક કરાંચી સુધી પડયા છે. આ કવાયત સર ક્રીકથી કરાંચી સુધીના સંવેદનશીલ સરહદી વિસ્તાર પર કેન્દ્રિત છે જ્યાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના સંયુક્ત શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે.
પાકિસ્તાને તેના હવાઈ ક્ષેત્રમાં પ્રતિબંધો લાદ્યા છે અને કવાયતને ધ્યાનમાં રાખીને તેના સમગ્ર લશ્કરી તંત્રને હાઇએલર્ટ પર રાખ્યું છે. ત્રિશૂલ કવાયત 30 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી ચાલશે, જેમાં ભારતીય સેના 20 હજાર થી વધુ સૈનિકો તૈનાત કરશે. મુખ્ય યુદ્ધ ટેન્ક, તોપખાના, સશસ્ત્ર હેલિકોપ્ટર અને વિવિધ પ્રકારની મિસાઇલ સિસ્ટમ્સ આ કવાયતનો ભાગ છે. નૌકાદળે સૌરાષ્ટ્ર કિનારેથી જળ-થળ સંયુક્ત અભિયાન શરૂ કર્યું છે, જેમાં ફ્રિગેટ્સ અને યુદ્ધ જહાજોનો સમાવેશ થાય છે. વાયુસેનાએ રાફેલ અને સુખોઈ-30એમકેઆઈ જેવા ફાઈટર જેટ, વિશિષ્ટ વિમાન, હેલિકોપ્ટર, રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ, આઈએલ-78 મિડ-એર રિફ્યુઅલર્સ અને એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ એરક્રાફ્ટને તૈનાત કર્યા છે.
સંરક્ષણ મંત્રાલય અનુસાર, આ કવાયતમાં ખાડી અને રણ વિસ્તારોમાં આક્રમક દાવપેચ, સૌરાષ્ટ્ર કિનારે સંયુક્ત કામગીરી અને મલ્ટી-ડોમેન ઓપરેશનલ ડ્રીલ્સનો સમાવેશ થાય છે. કવાયત પહેલાં જ પાકિસ્તાને કરાંચી અને લાહોર વિસ્તારોમાં કેટલાક ફ્લાઇટ રૂટમાં ફેરફારની જાહેરાત કરી હતી.