For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર લીમખેડા પાસે ત્રિપલ અકસ્માત, ત્રણેય વાહનોને ભારે નુકસાન

05:13 PM Oct 15, 2025 IST | Vinayak Barot
અમદાવાદ ઈન્દોર હાઈવે પર લીમખેડા પાસે ત્રિપલ અકસ્માત  ત્રણેય વાહનોને ભારે નુકસાન
Advertisement
  • ટ્રક, આઈસર ટેમ્પો અને એસટી બસ એકબીજા સાથે અથડાયા,
  • અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો,
  • ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને હાઈવે પરથી હટાવાયા

અમદાવાદઃ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે અકસ્માતનો વધુ એક બનાવ અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે પર સર્જાયો હતો. નેશનલ હાઈવે પર લીમખેડા ગામ નજીક વિજય હોટલ પાસે ગત મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત થયો હતો. આ ઘટનામાં ટ્રક, આઈસર ટેમ્પો અને એસટી બસ એકબીજા સાથે અથડાયા હતા, જેમાં ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય વાહનોને ભારે નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ હાઈવે પર બે કલાકથી વધુ સમય સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે, અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે પર લીમખેડા ગામ નજીક ગત રાતે લગભગ 9:30 વાગ્યે દાહોદ તરફ જતી ટ્રક અને ઇન્દોર તરફ જતો આઈસર ટેમ્પો વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ બંને વાહનો રસ્તાની વચ્ચે અટકી પડ્યા બાદ, ઇન્દોરથી અમદાવાદ આવતી એસટી બસના ચાલકને અંધારાને કારણે આગળના વાહનો ન દેખાતા બસ પણ તેમની સાથે અથડાઈ હતી. આ અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

લીમખેડાના  સ્થાનિક લોકો અને પોલીસે આ અકસ્માત માટે ગોધરા એક્સપ્રેસવે પ્રાઈવેટ લિમિટેડ કંપનીની ગંભીર બેદરકારીને જવાબદાર ઠેરવી છે. દાહોદ હાઈવે પરથી લીમખેડા ગામમાં પ્રવેશવાના સ્થળે સિગ્નલ લાઈટ્સ, હેલોજન લાઈટ્સ કે રિફ્લેક્ટર્સ લગાવવામાં આવ્યા નથી. આ જ જગ્યાએ છેલ્લા બે વર્ષમાં પાંચથી વધુ ગંભીર અકસ્માતો નોંધાઈ ચૂક્યા છે, જે દર્શાવે છે કે આ સ્થળ અકસ્માત ઝોન બની ગયું છે અને સુરક્ષા વ્યવસ્થાનો અભાવ છે.

Advertisement

આ અકસ્માતની જાણ થતાં જ લીમખેડા પોલીસ સ્ટેશનની ટીમ અને ભથવાડા ટોલ બુથની રેસ્ક્યુ ટીમ ક્રેન સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને હાઈવે પરથી હટાવવામાં આવ્યા હતા અને લગભગ 1:45 વાગ્યે હાઈવે ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. ઈજાગ્રસ્તોમાં ટ્રકના ડ્રાઈવર, ક્લીનર, ટેમ્પો ચાલક અને એક મુસાફરનો સમાવેશ થાય છે. તેમને તાત્કાલિક લીમખેડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement