પંજાબ વિધાનસભામાં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
ચંદીગઢ : પંજાબ વિધાનસભાએ સોમવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી અને આ કાયરતાપૂર્ણ કૃત્યની સખત નિંદા કરી હતી. હરિયાણા સાથે પાણી વહેંચણીના વિવાદની ચર્ચા કરવા માટે વિધાનસભાનું આ એક દિવસીય ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે.
સત્રની શરૂઆતમાં, ગૃહના સભ્યોએ 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં માર્યા ગયેલા 26 નિર્દોષ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપી અને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
ગૃહે આશા વ્યક્ત કરી કે કેન્દ્ર અને રાજ્ય સરકારો હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં કોઈ કસર છોડશે નહીં અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે કડક પગલાં લેશે. ગૃહે સ્વર્ગસ્થ ભૂતપૂર્વ સાંસદ માસ્ટર ભગત રામ અને ભૂતપૂર્વ મંત્રી રણધીર સિંહ ચીમાને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ ગૃહે દિવંગત આત્માઓની શાંતિ માટે મૌન પાળ્યું હતું.
આમ આદમી પાર્ટી (AAP) ના નેતૃત્વ હેઠળની પંજાબ સરકારે પડોશી રાજ્યને વધારાનું પાણી આપવાનો ઇનકાર કર્યા પછી પંજાબ અને હરિયાણા વચ્ચે પાણીની વહેંચણીનો મુદ્દો વધુ વકર્યો છે. બીજી તરફ, હરિયાણામાં નાયબ સિંહ સૈનીના નેતૃત્વ હેઠળની સરકારે પાણીમાં રાજ્યનો હિસ્સો સુનિશ્ચિત કરવાનો સંકલ્પ કર્યો છે. પંજાબ સરકારનું કહેવું છે કે હરિયાણાએ માર્ચ સુધીમાં તેના ફાળવેલ પાણીનો ૧૦૩ ટકા ઉપયોગ કર્યો છે.