જમ્મુ-કાશ્મીરમાં ધરા ધ્રુજી, લોકોમાં ફેલાયો ભય
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં આજે શનિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ આંચકા થોડીક સેકન્ડ સુધી અનુભવાયો હતો. જોકે, હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. જર્મન ભૂકંપ સંશોધન કેન્દ્ર (GFZ) અનુસાર, ભૂકંપની તીવ્રતા 5.9 ની હતી. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનની સરહદ પર હતું, જે 86 કિલોમીટરની ઊંડાઈએ આવ્યું હતું. કેન્દ્રથી કાશ્મીર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા.
આ પહેલા 14 માર્ચે પણ જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકા સવારે 2.50 વાગ્યે અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 15 કિલોમીટરની ઊંડાઈએ હતું. સ્થાનિક વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અને સલામત સ્થળોએ રહેવા અપીલ કરી છે. હવામાન વિભાગે કહ્યું કે ભૂકંપ પછી કોઈ મોટો ખતરો નથી, પરંતુ સાવધાની રાખવી જરૂરી છે.
આજે સવારે 7:38 વાગ્યે આસામના નાગાંવમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.9 માપવામાં આવી હતી. ભૂકંપની અસર નાગાંવ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાઈ હતી. જોકે, તેની તીવ્રતા ઓછી હોવાથી, જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.