મુંબઈથી કોંકણની મુસાફરી હવે સરળ બનશે: 1 સપ્ટેમ્બરથી રો-રો ફેરી સેવા શરુ થશે
મુંબઈ : કોંકણ જવા માટે હવે લાંબી અને થકવી નાખતી રોડ મુસાફરી કરવાની જરૂર નહીં રહે. 1 સપ્ટેમ્બરથી મુંબઈથી કોંકણ સુધી રો-રો ફેરી સેવા શરૂ થવા જઈ રહી છે. આ સેવા મુંબઈને રત્નાગિરીના જયગઢ સાથે માત્ર 3-4 કલાકમાં** અને સિંધુદુર્ગના વિજયદુર્ગ સાથે 5-6 કલાકમાં જોડશે. આ સેવા શરૂ થતાં કોંકણ રેલવે અને મુંબઈ-ગોવા હાઇવે બાદ હવે દરિયાઈ માર્ગે પ્રવાસ કોંકણવાસીઓને નવી ભેટ રૂપે મળશે.
પ્રારંભે આ સેવાની શરૂઆત ગણેશ ચતુર્થી પહેલાં થવાની હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે તેને મુલતવી રાખવી પડી હતી. હવે હવામાન સુધરી રહ્યું છે અને 1 સપ્ટેમ્બરથી નિયમિત સેવા શરૂ થશે. શિપિંગ મંત્રી નિતેશ રાણેએ ફેરીનું નિરીક્ષણ કર્યા બાદ તેને “કોંકણનું ગૌરવ” ગણાવ્યું છે. રાણેએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસમાં ટેસ્ટ રન પૂર્ણ થયા બાદ ફેરી સવારે 6:30 વાગ્યે ભાઉ ચા ધક્કા ટર્મિનલ (મુંબઈ)થી રવાના થશે.
રો-રો ફેરીનો સૌથી મોટો ફાયદો મુસાફરીનો સમય છે. આ ફેરી મુસાફરો સાથે તેમના વાહનોને પણ લઈ જશે. એક ફેરીમાં 50 ફોનવ્હીલર અને 30 ટુવ્હીલપ લઈ જવાની ક્ષમતા છે. આ સેવા મુંબઈ-માંડવા (અલીબાગ) વચ્ચે ચાલતી રો-રો ફેરીની જેમ જ હશે, જે માર્ચ 2020થી સફળતાપૂર્વક ચાલી રહી છે. હવે નવી સેવાના માધ્યમથી કોંકણના વધુ વિસ્તારોને જોડવાની યોજના છે. ભવિષ્યમાં શ્રીવર્ધન અને માંડવા જેટીને પણ સામેલ કરાશે.