ઉનાળાના વેકેશન પહેલા જ ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફુલ
- લાંબા અંતરની ઘણીબધી ટ્રેનોમાં બે મહિના સુધીનું બુકિંગ ફુલ
- પુના, જમ્મુ - કટરા, ગોવા, દિલ્હી સહિતની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ
- ખાનગી ટૂર-ટ્રાવેલર્સ ઓપરેટરોને ત્યાં ઈન્કવાયરી વધી
અમદાવાદઃ ઉનાળુ વેકેશન પહેલા ઉત્તર ભારત જતી મોટાભાગની ટ્રેનોમાં નો વેકન્સીની સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટથી દર સપ્તાહે ઉપડતી હરિદ્વાર એકસપ્રેસ ટ્રેનમાં બે માસ સુધીનાં એડવાન્સ બુકિંગમાં ફુલ છે. જ્યારે પુના, જમ્મુ - કટરા, ગોવા, દિલ્હી સહિતની સાપ્તાહિક ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ બની છે. ટ્રેનોના બુકિંગમાં 120 દિવસના બદલે 60 દિવસ થતા તમામ ટ્રેનોમાં મોટું વેઈટીંગ જોવા મળી રહ્યું છે.
ઉનાળાના વેકેશન પહેલા જ ટ્રેનોમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. લાંબા અંતરની સાપ્તાહિક એકસપ્રેસ ટ્રેનો 60 દિવસ સુધીના એડવાન્સ બુકિંગમાં ફુલ થતા ક્ન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ છે. ટ્રેનોના બુકિંગ માટે પ્રવાસીઓમાં લાઈનો જોવા મળી રહી છે. ઉનાળુ વેકેશનની રજાઓમાં મહાબળેશ્વર, ગોવા, દક્ષિણ ભારત, ચારધામ યાત્રાના ઉતરાખંડ, પંજાબ, ચંદીગઢ, અમૃતસર, જમ્મુ-કાશ્મીર, માતા વૈષ્ણોદેવી, કટરા, પર્યટન સ્થળ ગોવા સહિતની સાપ્તાહિક ટ્રેનોમાં હાલના દિવસોમાં સ્લીપર, એસી કોચમાં મોટું વેઈટીંગ જોવા મળી રહ્યુ છે.
ખાનગી ટૂર ટ્રાવેલ્સ ઓપરેટરોના કહેવા મુજબ ઉનાળુ વેકેશન રજાઓમાં આ વર્ષે ચાર ધામ યાત્રા, દક્ષિણ ભારત, ગોવા, જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા, જમ્મુ-શ્મીર, લેહ-લદાખ, મહાબળેશ્વર, રાજસ્થાન, પંજાબ-હરીયાણા, કુલ્લુ-મનાલી સહિતના દેશના વિવિધ પર્યટન સ્થળો ઉપરાંત સ્થાનિક સાસણ ગીરની ઈન્કવાયરી વધી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેનોમાં થ્રી ટાયર એસી, ટુ ટાયર એસી અને એ વન શ્રેણીનું ભાડુ ઉંચુ હોવા છતા સ્લીપર (નોન એસી)ની સરખામણીએ એસી કોચની ડિમાન્ડ વધી રહી છે. ભાડા વધારાની પરવા કર્યા વિના એસી કોચની કન્ફર્મ ટિકિટ મેળવવા તત્કાલ ટિકિટમાં પણ વેઈટીંગ જોવા મળી રહ્યું છે તે દર્શાવે છે કે પ્રવાસીઓ એસી કોચની મુસાફરી તરફ વધુ વળ્યા છે. દર મંગળવારે ઉપડતી ઓખા-રામેશ્વર સાપ્તાહિક ટ્રેનોમાં આરએસી સાથે હળવું વેઈટીંગ જોવા મળી રહ્યું છે. દર શુક્ર-શનિ ઉપડતી જામનગર-નિરૂનેલવેલી વાયા ગોવા અને સોમ-શનિવારે ઉપડતી ઓખા-અર્નાકુલમ વાયા ગોવાની ટ્રેનોમાં સરેરાશ 50ને પાર વેઈટીંગ છે. આ ઉપરાંત દર શુક્રવારે વેરાવળ-પુના અને રાજકોટ- કોઈમ્બતુર પુના, તમિલનાડુ રાજયને જોડતી ટ્રેનોમાં પણ 50 આસપાસ દરેક કલાસમાં વેઈટીંગ છે. તેમજ પોરબંદર-મુઝફરનગર અને શુક્રવારે ઉપડતી ઓખા-દિલ્હી ટ્રેનોમાં પણ અત્યારથી મોટું વેઈટીંગ છે.