સુરતના રેલવે સ્ટેશન પર ટ્રેનના કોચ હવે ડ્રોનથી 30 મીનીટમાં સંપૂર્ણ ઘોવાઈ જશે
- ટ્રેનને ધોવામાં મેન્યુઅલ કામગીરીથી ત્રણ કલાકનો સમય લાગતો હતો,
- ટ્રાયલ માટે ડ્રોનથી ઉધના-બહ્મપુર અમૃત ભારત ટ્રેનના કોચને ધોવામાં આવ્યા,
- બોર્ડની મંજૂરી બાદ રેગ્યુલર ધોરણે ટ્રેન ધોવા માટે ડ્રોનનો ઉપયોગ કરાશે.
સુરતઃ પશ્વિમ રેલવે દ્વારા હવે ટ્રેનોના કોચ ધોવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે કોચને ધોવા માટે ટૂંક સમયમાં ડ્રોનની મદદ લેવાશે. શહેરના રેલવે સ્ટેશન પર વોટર ડ્રોન સિસ્ટમથી ટ્રેનને ધોવાની ટ્રાયલ કરવામાં આવી હતી. ગુજરાતની પ્રથમ ઉધના-બહ્મપુર અમૃત ભારત ટ્રેનના કોચને ડ્રોનની મદદથી ધોવામાં આવ્યા હતા. ટ્રાયલ સફળ થતાં રેલવે બોર્ડ પાસે મંજૂરી માગવામાં આવી છે. બોર્ડની મંજૂરી બાદ રેગ્યુલર ધોરણે ટ્રેન ધોવા માટે ડ્રોનનો ઉપયોગ કરાશે.
રેલવેના સૂત્રોના કહેવા મુજબ સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનના 24 કોચ ધોવા માટે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. હવામાં ઊડતાં ડ્રોનને કોચની ઊંચાઈ સુધી લઈ જઈ પ્રેશરથી કોચ ધોવામાં આવ્યા હતા. આ ટેક્નિકથી 25 કોચને ધોવામાં ફક્ત 30 મિનિટનો જ સમય લાગ્યો હતો. અત્યારે કોચ ધોવા માટે લાંબી પ્રક્રિયા છે. એકથી વધુ વ્યક્તિઓ ટ્રેનને ધોવા માટે કામે લાગે છે. એટલું જ નહીં, ટ્રેનને ધોવા માટે અઢીથી ત્રણ કલાકનો સમય લાગે છે. ત્યારે હવે ઓછા સમયમાં ટ્રેનને ધોવા માટે ડ્રોન ટેક્નલોજીનો ઉપયોગ કરાયો છે. ઉધનાથી રવાના કરાયેલી ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત ટ્રેનને ડ્રોનની મદદથી ધોવામાં આવી હતી. હાઈ પ્રેશરથી ટ્રેનને ધોવામાં આવતાં ખૂબ જ ઓછા સમયમાં ટ્રેન ક્લીન થઈ ગઈ હતી.
રેલવે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુરતના બે યુવાન દ્વારા આ ડ્રોનનું સ્ટાર્ટઅપ કરવામાં આવ્યું છે. ડ્રોન બનાવતાં અંદાજિત 3થી 4 લાખનો ખર્ચ થયો છે. ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન જ્યારે ઉધના રેલવે સ્ટેશન પર આવી એ દરમિયાન આ ડ્રોનની ટ્રાયલ કરવામાં આવી હતી. ટ્રેનના કોચને ડ્રોન દ્વારા ક્લીનિંગ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આ ડ્રોનથી રેલવે સ્ટેશન ખાતેના એલિવેશન, જેવા કે પતરાં અને ખૂબ જ ઊંચાઈવાળી જગ્યાઓને સાફ-સફાઈ કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ ટ્રાયલ દરમિયાન રેલવેના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ખૂબ જ ઓછી મિનિટમાં ટ્રાયલ સફળ રહી હતી. હાલ તો આ મામલે રેલવેના અધિકારીઓ દ્વારા આગામી સમયમાં આ અંગેની પ્રોસેસ કરવામાં આવશે અને ત્યાર બાદ એને મંજૂરી આપવી કે નહીં એ અંગેનો નિર્ણય કરવામાં આવશે.