TRAI નવા નિયમો લાગુ કરશે, મોબાઈલ ગ્રાહકોને કોલિંગ-SMS માટે મળશે વિશેષ પ્લાન
ટેલિકોમ રેગ્યુલેટર અનુસાર, એવું માનવામાં આવે છે કે કૉલ્સ અને SMS માટે અલગ રિચાર્જ કૂપન હોવા જોઈએ. ટ્રાઈને આનાથી સંબંધિત કન્સલ્ટેશન પ્રક્રિયા દરમિયાન ઘણા મંતવ્યો મળ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે ઘણા વરિષ્ઠ નાગરિકો અને તેમના ઘરોમાં બ્રોડબેન્ડ ધરાવતા પરિવારોને તેમના મોબાઇલ ફોન માટે અલગ ડેટા પેકેજની જરૂર નથી.
ટેલિકોમ રેગ્યુલેટર TRAIએ ટેરિફ નિયમોમાં સુધારો કર્યો અને મોબાઇલ સેવા પ્રદાતાઓને આદેશ આપ્યો કે તેઓ ડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકો માટે વૉઇસ કૉલ્સ અને SMS માટે અલગ પ્લાન જાહેર કરે.
આ પગલાથી, ઉપયોગકર્તાઓએ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી સેવાઓ માટે જ ચૂકવણી કરવી પડશે. એટલું જ નહીં, રેગ્યુલેટરે સ્પેશિયલ રિચાર્જ કૂપન પરની 90-દિવસની મર્યાદાને હટાવીને તેને 365 દિવસ સુધી વધારી દીધી છે.
TRAIએ ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન (બારમો સુધારો) રેગ્યુલેશન્સ 2024માં જણાવ્યું હતું કે, "સેવા પ્રદાતાએ ઓછામાં ઓછું એક વિશિષ્ટ ટેરિફ વાઉચર ફક્ત વૉઇસ એટલે કે વાતચીત અને SMS માટે પ્રદાન કરવું પડશે, જેની માન્યતા 365 દિવસથી વધુ નહીં હોય."