TRAIનો આદેશ : DPOઓએ માસિક અને ત્રિમાસિક અહેવાલ ફરજિયાત સબમિટ કરવા પડશે
નવી દિલ્હી : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એક્ટ, 1997ની કલમ 12 હેઠળ નવો આદેશ જાહેર કર્યો છે. આ આદેશ અનુસાર હવે તમામ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ઓપરેટર્સ (DPOs), જેમ કે ડાયરેક્ટ-ટુ-હોમ (DTH) ઓપરેટર્સ, મલ્ટી સિસ્ટમ ઓપરેટર્સ (MSOs), હેડએન્ડ-ઈન-ધ-સ્કાય (HITS) ઓપરેટર્સ અને ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેલિવિઝન (IPTV) ઓપરેટર્સ ને માસિક તથા ત્રિમાસિક ધોરણે પરફોર્મન્સ મોનિટરિંગ રિપોર્ટ્સ (PMRs)સબમિટ કરવાના રહેશે.
TRAIએ 24 જુલાઈ, 2008ના આદેશથી પ્રથમ વખત DTH ઓપરેટર્સને ત્રિમાસિક PMR (Q-PMR) સબમિટ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. ત્યારબાદ, જૂન 2019માં આ નિયમનો વિસ્તાર કરીને તેમાં MSO અને HITS ઓપરેટર્સનો પણ સમાવેશ કરાયો હતો. TRAIએ હવે ટેરિફ ઓર્ડર, ઇન્ટરકનેક્શન રેગ્યુલેશન્સ અને સર્વિસ ક્વોલિટી રેગ્યુલેશન્સમાં થયેલા તાજેતરના સુધારા આધારે રિપોર્ટિંગ ફોર્મેટમાં ફેરફાર કર્યા છે.
માસિક કામગીરી દેખરેખ અહેવાલ (M-PMR): દર મહિના પૂર્ણ થયા બાદ 10 દિવસની અંદર (પરિશિષ્ટ-I ફોર્મેટમાં).
ત્રિમાસિક કામગીરી દેખરેખ અહેવાલ (Q-PMR): દર ત્રિમાસિક સમયગાળાના અંતથી 15 દિવસની અંદર (પરિશિષ્ટ-II ફોર્મેટમાં).
જો કોઈ DPOના સક્રિય સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા છેલ્લા નાણાકીય વર્ષના અંતે 30,000થી ઓછી હોય, તો તેમના માટે Q-PMR સબમિશન વૈકલ્પિક રહેશે.
TRAIએ જણાવ્યું છે કે, આ નવા રિપોર્ટિંગ ફ્રેમવર્કનો મુખ્ય હેતુ છે કે, અનુપાલનની અસરકારક દેખરેખ સુનિશ્ચિત કરવી, પારદર્શિતા વધારવી, ગ્રાહક હિતોનું રક્ષણ કરવું, તેમજ પ્રસારણ અને કેબલ ટીવી ક્ષેત્રના સુવ્યવસ્થિત વિકાસને પ્રોત્સાહન આપવું.