જૈનોના તિર્થસ્થાન પાલિતાણામાં વિકટ બનતી જતી ટ્રાફિકની સમસ્યા
- અગાઉ ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ એકમાર્ગી હતો,
- કોઈ કારણોસર સત્તાધિશોએ એક માર્ગીય રસ્તાને દ્વીમાર્ગી કર્યો,
- રોજ પીકઅપ અવર્સમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે
પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન એવા પાલિતાણા શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. શહેરના ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ અગાઉ એક માર્ગીય હતો. જે અકળ કારણોસર દ્વિમાગીય કરાતા આ રોડ ઉપર વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જાવા મળી રહ્યા છે. અકસ્માતના બનાવો વારંવાર બનતા હોય છે. રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
પાલિતાણા જૈનોનું સુપ્રસિદ્ધ તિર્થસ્થાન હોવાથી રોજબરોજ મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. તેમજ તાલુકા મથક હોવાથી ગામડાંના લોકો પણ રોજબરોજ ખરીદી કરવા માટે આવતા હોય છે. એટલે લોકો સાથે વાહનોની પણ ભીડ જોવા મળતી હોય છે. શહેરના મુખ્ય રોડ પર શાક માર્કેટ, ભૈરવનાથ મંદિર. કન્યા શાળા. જુમ્મા મસ્જિદ. સ્ટેટ બેંક. મહાલક્ષ્મી મંદિર. લાઇબ્રેરી. સોની બજાર. કાપડ બજાર. સુખડીયા બજાર આવેલી છે. આ વિસ્તારોમાં આવવા જવા માટે આ રોડ ઉપર સતત ટ્રાફિક રહે છે. ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ એકદમ સાંકડો હોય આ રોડ ઉપર લારીઓ. ભારે વાહનો. થ્રી વ્હીલ ટેમ્પાઓ પ્રવેશ થાય છે એટલે ટ્રાફિક જામ થાય છે. આ રોડ ઉપર સૌથી વધુ ટ્રાફિક સવારે 9 થી 12 અને સાંજે 5 થી 7 રહેતો હોય છે. ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીના માર્ગને સવારના અને સાંજના અમુક સમય માટે એક માર્ગીય જાહેર કરવાની જરૂર છે. ખાડે ગયેલી ટ્રાફિક વ્યવસ્થાથી રાહદારીઓ અને વાહન ચાલકો તોબા પોકારી ગયા છે.
પાલિતાણા શહેરમાં મુખ્ય માર્ગો પર ઉભા રહેતા લારી ગલ્લાવાળા તેમજ પાથરણા પાથરી વેપલો કરતા ફેરિયાઓ તેમજ વેપારીઓ દ્વારા ફૂટપાથ ઉપર દબાણ થઈ ગયા છે. આ ઉપરાંત આ માર્ગો પર આડેધડ સ્કૂટર. રિક્ષા. ટેમ્પાઓ. ભાર ખટારા. ટુ વ્હીલર વાહનો આડેધડ પાર્ક કરી દેવામાં આવે છે. પાલિતાણામાં દરરોજ મોટી સંખ્યામાં યાત્રિક વાહનો લઈને આવે છે તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોના વાહનો પાર્ક કરવા શહેરમાં એક પણ જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા નથી. નગરપાલિકાએ પાર્કિંગ વ્યવસ્થા કરવી જરૂરી છે. પાર્કિંગ વ્યવસ્થાના અભાવે આડેધડ થતા વાહનોના ખડકલા ટ્રાફિક સમસ્યા ઉભી કરે છે ત્યારે તાકિદે આ સમસ્યાનું નિવારણ કરવું જરૂરી છે.