અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરાના જામ્બુવા બ્રિજ સર્જાતો ટ્રાફિક જામ
- હાઈવે પર જામ્બુવા બ્રિજ પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
- ટ્રાફિકના નિયંત્રણ માટે પોલીસ જવાનો દેખાતા જ નથી
- ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ ફસાતા હાઈવે પરની સાસોયટીના લોકોએ મદદ કરી
વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરાના જામ્બુવા બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા હવે રોજિંદી બની ગઈ છે. હાઈ-વે પર જામ્બુવા બ્રિજ નજીક બે દિવસથી ભયાનક ટ્રાફિક જામનો સિલસિલો ચાલી રહ્યો છે. ડમ્પર બંધ પડવાથી માત્ર હાઈવે જ નહીં પણ સર્વિસ રોડ પર કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો, ટ્રાફિકજામમાં બે એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. યુનિટી માર્ચ હોવાથી શહેરની પોલીસ વીવીઆઈપીના બંદોબસ્તમાં વ્યસ્ત હતી, એટલે હાઈવે પર ટ્રાફિકના નિયંત્રણ માટે પોલીસ જવાનો જોવા મળ્યા નહતા.
વડોદરા હાઈવે પરની સોસાયટીઓના રહિશોના કહેવા મુજબ હાઈવે પર જામ્બુવા બ્રિજ પર ડમ્પર બંધ થવાના કારણે ફૂલ ટ્રાફિકજામ થયો હતો, માત્ર હાઈવે પર જ નહીં પણ સર્વિસ રોડ પર પણ ટ્રાફિકજામ થયો હતો. ટ્રાફિકના નિયંત્રણ માટે ફક્ત એક જ TRB જવાન હાજર હતો. દરમિયાન ટ્રાફિકમાં ફસાયેલી બે એમ્બ્યુલન્સને સોસાયટીવાળાએ ટ્રાફિકમાંથી બહાર કાઢી હતી.
હાઈવે પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામ અંગે સ્થાનિક રહિશોએ જણાવ્યું હતું કે, અગાઉ હાઈવે ઓથોરિટીને અનેકવાર રજુઆતો કરી હોવા છતાંયે કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી. મૂંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે વાહનોથી સતત વ્યસ્ત રહેતો હોય છે. જામ્બુવા બ્રિજ સાંકડો હોવાથી ટ્રાફિકજામની સમસ્યા હવે કાયમી થઈ ગઈ છે. ટ્રાફિક જામને લીધે હાઈવેની આજુબાજુની સોસાયટીના રહીશો પણ પરેશાન થઈ રહ્યા છે.