સામખિયાળી હાઈવે પર પવન ચક્કીની પાંખ લઈ જતા ટ્રેલરને અકસ્માતથી ટ્રાફિક જામ
- ટ્રેલર હાઈવે પર ફંટાઈને આડુ ફરી જતા હાઈવેનો એક તરફનો રસ્તો બ્લોક થયો,
- સામખિયાળી- રાધનપુર હાઈવે પર 6 કિમી ટ્રાફિકજામ સર્જાયો,
- પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રેલરને હાઈવે પરથી હટાવ્યુ
ભૂજઃ ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતા સામખયાળી-રાધનપુર નેશનલ હાઈવે પર રાપર તાલુકાના ગાગોદર અને માનગઢ વચ્ચે વહેલી સવારે પવનચક્કીની પાંખ લઈ જતું એક મહાકાય ટ્રેલર બેકાબુ બનીને માર્ગની આડે ફંગોળાઈ ગયું હતું. અને ટ્રેલર હાઈવે પર ફંટાઈને આડુ થતાં હાઈવે પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને પાંચથી છ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને ક્રેઈ મંગાવીને અકસ્માતગ્રસ્ત ટ્રેલરને હાઈવે પરથી હટાવાયા બાદ ટ્રાફિક પૂર્વવત બન્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, સામખયાળી-રાધનપુર નેશનલ હાઈવે પર માનગઢ અને ગાગોદર વચ્ચે વહેલી સવારે પવનચક્કીની પાંખ લઈ જતું એક મહાકાય ટ્રેલર બેકાબુ બનીને માર્ગની આડે ફંગોળાઈ ગયું હતું. ટ્રેલર હાઈવે પર આડું ફરી જતાં હાઈવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ખાસ કરીને સામખયાળીથી રાધનપુર તરફનો એક તરફી માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ ગાગોદર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ગાગોદર પીઆઇ વીએ સેંગલે જણાવ્યું કે, સવારે લગભગ 6:30 વાગ્યાના અરસામાં આ અકસ્માત થયો હતો. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રેલરને માર્ગ પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
પોલીસની સક્રિયતાને કારણે હાલ કચ્છ તરફ જતો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે અને વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. મેવાસા પાટિયાથી લઈને ઘાણીધર સુધીના લગભગ છ કિલોમીટરના માર્ગે ટ્રાફિકજામ થયો હતો, જેને નિયંત્રિત કરવા માટે પોલીસ જવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.