ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એફ. ફાઉન્ડેશન આયોજિત અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિના મંચ ઉપર ભારતની પરંપરાગત કલા, સંગીત અને નૃત્ય જીવંત બન્યા
અમદાવાદ: ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર-પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિ વિવિધ પ્રકારના પ્રદર્શનોને એક સાથે લઈને આવી છે, જેણે યુવાનોથી લઈને વૃદ્ધો સુધી તમામ વયના દર્શકોને મોહિત કર્યા છે. શુક્રવારે યોજાયેલ માર્શલ-આર્ટ ઉપર આધારિત સમકાલીન નૃત્ય, ૧૭મી સદીના પરંપરાગત સંગીત, પ્રયોગાત્મક રંચમંચ અને ભારતનાટ્યમ, કથક, મોહિનીઅટ્ટમ સહિતના ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપોની ગતિશીલતા અને કલાત્મકતાએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા.
ગોપાલ અગ્રવાલ અને આકાશ વણઝારાએ માર્શલ આર્ટ્સની થીમ પર આધારિત પારંપારીક નૃત્ય પ્રદર્શનલ “ટેરિટોરિયલ” રજુ કરીને સાંજની રોનક વધારી દીધી હતી. તેમણે પોતાના શાનદાર પ્રદર્શનમાં માનવ વિરુદ્ધ જંગલી જીવની વાર્તા રજુ કરી હતી, જેમાં માનવ દ્વારા થતા અતિક્રમણ કેવી રીતે વન્યજીવનને જોખમમાં મુકી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. એક ગ્રે કેરેક્ટરના માધ્યમથી તેમણે પ્રકૃત્તિના સંરક્ષણની ચિંતા કરનાર લોકોના અસ્તિત્વને સ્વિકારવાની સાથે મનુષ્યો દ્વારા કરવામાં આવી રહેલ વિનાશને પ્રકાશિત કર્યો હતો. આ પ્રદર્શન આપણને પૃથ્વી ઉપર વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને સુરક્ષિત રાખવા જેવા મહત્વના વિષય ઉપર ચિંતન કરવા પ્રેરિત કરે છે, જેથી આપણે પ્રકૃત્તિ અને આપણા સહઅસ્તિત્વને સુનિશ્ચિત કરી શકીએ.
ત્યાર બાદ ગાયક અનુપા પોટાના શરણમ વૃંદ દ્વારા પ્રસ્તૃત કરાયેલ પરંપરાગત બેઠા ગરબાની ભાવપૂર્ણ ધૂને દર્શકોના દિલને સ્પર્શવાની સાથે સાથે સાંસ્કૃતિક ગૌરવ અને જુની યાદોના ભાવને જાગૃત કર્યો હતો. ૧૭મી સદીથી ચાલ્યા આવતા બેઠા ગરબાનું સંગીતમય સ્વરૂપ નાગર સમુદાયની સાંસ્કૃતિક પરંપરા છે, જેઓ નવરાત્રિ દરમિયાન પોતાની કુળદેવી - દેવીની પૂજા કરવા માટે સંગીતના આ સ્વર સ્વરૂપનો ઉપયોગ કરે છે. આ પ્રસ્તૃતિનો ઉદ્દેશ આ સદીઓ જૂની પરંપરાને જાળવી રાખીને દેવીમાંના ભાવપૂર્ણ આહ્વાન અને સ્થાપનને પ્રદર્શિત કરવાનો છે.
દેવાંશુ શાહ અને દેવાંગ નાયક દ્વારા પ્રસ્તૃત ડાર્ક હ્યુમર નાટક ‘કમિંગ સૂન’ને દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધુ હતું. આ નાટકમાં વિકાસની અંધાધૂંધી, જમીન સંપાદન અને તેની સાથે જોડાયેલ લાગણીઓ પાછળ સામાન્ય માણસની પરિસ્થિતિગતની વાર્તા રજુ કરવામાં આવી છે, જે દર્શકોને સ્પર્શી ગઈ. આ નાટકની વાર્તા એક એવા યુવાન અંગે છે, જેને પોતાની બિમાર માતાની સારવાર માટે પૈસાની ખુબ જરૂર છે, ત્યારે તેને પોતાના વારસાગત જમીન અંગે જાણવા મળે છે. આ જમીનનો અત્યારે ઉપયોગ કબ્રસ્તાન તરીકે થઈ રહ્યો છે, પૈસા માટે પોતાની જમીન પરત મેળવવાના ઉપાયો શોધતા યુવાનની વાર્તાના માધ્યમથી નાટકમાં મૃતકોના સન્માન અને સંપત્તિના અધિકારના દાવા વચ્ચેના સંતુલનને શોધવાનો પ્રયત્ન કરે છે.
અભિવ્યક્તિના બીજા ઘર એવા અટીરા ખાતે ડૉ. ઐશ્વરિયા વોરિયરે પોતાનું ત્રિપુથુ નૃત્ય નાટિકા પ્રસ્તૃત કર્યુ. ડૉ. ઐશ્વરિયાએ મોહિનીયટ્ટમ નૃત્ય નાટિકા (નૃત્ય બેલે) ના માધ્યમથી દેવી પાર્વતિના માસિક ધર્મ આધારિત એક પવિત્ર અને દુર્લભ તહેવારને જીવંત કર્યો. આ અનોખી પ્રસ્તૃતિએ દિવ્ય સ્ત્રીત્વનું સન્માન કરવાની સાથે માસિક ધર્મ સાથે જોડાયેલ સામાજિક માન્યતાઓને પડકારી. નૃત્ય, સંગીત અને નાટિકાના સંયોજનના માધ્ય્મથી આ પ્રસ્તુતિએ મહિલા દર્શકો સહિત તમામને સશક્તિકરણનો અનુભવ કરાવ્યો.
મંચ પ્રસ્તૃતિમાં નૃત્યકાર બેલડી તારિણી ત્રિપાઠી અને શાલ્મલી ઝંકરે “અલૌકિક”ની થીમ અંતર્ગત કથકની અદભૂત પ્રસ્તૃતિ કરી. ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં આ બેલડીએ સાંખ્ય દર્શનના પ્રકૃતિ (ભૌતિક) અને પુરુષ (ચેતના)ના બ્રહ્માંડીય મિલનને શોધવાનો પ્રયત્ન કરે છે. શિવ અને પાર્વતીના મિલન પર આધારિત આ પ્રસ્તૃતિ સર્જન, અસ્તિત્વ અને મુક્તિના દાર્શનિક સિદ્ધાંતોને સમજાવે છે, સાથે જ માનવ અનુભવમાં આ શક્તિઓની પરસ્પર ક્રિયાને ઉજાગર કરે છે. કથકના પરંપરાગત સ્વરૂપમાં તેમણે એવી કથાને ઉજાગર કરી છે, જે બ્રહ્માંડની સફરમાં જ પ્રાપ્ત થઈ શકે છે.
પ્રિયાંક ઉપાધ્યાયની નાટ્ય પ્રસ્તૃતિ “શૂન્યાવતાર” માં દર્શકોને અન્ય એક આધ્યાત્મિક અનુભવ પ્રાપ્ત થાય છે. આ પ્રસ્તૃતિમાં વ્યક્તિના અસ્તિત્વ પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે "તમે કોણ છો?" અને શું તમે તમારા નામ, વ્યવસાય, સંસ્કૃતિ વગેરેનો ઉલ્લેખ કર્યા વગર તેનો જવાબ આપી શકો છો? આ એક વ્યક્તિની સફર છે, જે પોતાના અસ્તિત્વની ખોજ કરવા અને વ્યક્તિ હમેંશા જેને પસંદ કરે છે તેવી ચેતનાની નિંદ્રામાંથી જગાડવાનો પ્રયત્ન કરે છે. વ્યક્તિ હમેંશા પોતાની જાતને અસંખ્ય વસ્તુઓથી બહેલાવવાનો પ્રયત્ન કરે છે, જેથી કરીને તેને પોતાની ચેતનાની અંતિમ વાસ્તવિકતા કે તે વાસ્તવમાં કોણ છે? નો સામનો ન કરવો પડે.
પોતાની મનમોહક પ્રસ્તૃતિમાં હિરલ બલસારાએ ભારતનાટ્યમના ભારતીય શાસ્ત્રીય નૃત્યને આધુનિક એરિયલ ડાન્સ સાથે સાંકળીને 'ધ અનટોલ્ડ' શીર્ષકના ખ્યાલને વર્ણવવા પ્રયત્ન કર્યો છે. આ પ્રસ્તૃતિ વેશ્યાવૃત્તિની આસપાસ ફરે છે અને એક વેશ્યાની માતા બનવાની વાર્તા રજુ કરે છે. એક વેશ્યા કેવી રીતે માતા બને છે તે સમાજનો સામનો કઈ રીતે કરે છે, તે અંગે વાત કરવામાં આવી છે. સાથે જ તેના બાળકની યાત્રા અને તે મોટો થઈને સમાજનો સામનો કઈ રીતે કરે છે તેની વાત રજુ કરવામાં આવી છે.
જોડિયા બહેનો મૌસમ અને મલકા મહેતાએ વૃંદાવનની લોક પરંપરા ‘હોરી કે રસિયા’ રજૂ કરી દર્શકોને પોતાના અભિનયથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. બંને બહેનોએ સુંદર રીતે શ્રી કૃષ્ણની અલગ-અલગ લીલાઓ ફાગ, બસંત, નાગદમણ, હિંડોળા, બાળ લીલાનું વર્ણન કરવાની સાથે દરેક લીલામાં રહેલ પ્રેમના અલગ અલગ તત્વની રજુઆત કરી. વૃંદાવનમાં શ્રી કૃષ્ણ લીલાઓ હોળી પહેલા શરૂ થાય છે અને ૪૦ દિવસ સુધી ચાલે છે. આ લોકગીતો બ્રજની ભાષામાં ગવાય છે અને પીલુ, નૂર, સારંગ, કાફી વગેરે જેવા વિવિધ રાગો પર આધારિત હોય છે. શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓમાં ખોવાયેલ દર્શકોને રાધા, ગોપીઓના સ્વરૂરૂપમાં પોતે શ્રી કૃષ્ણ સાથે રસિયાનો આનંદ માણતા હોય તેવો અનુભવ કર્યો.
જાણીતા લેખક, દિગ્દર્શક ચેતન દૈયાની હાસ્ય નાટ્ય પ્રસ્તૃતિ સાથે શુક્રવારની રાત્રનું સમાપન એકદમ હળવા અંદાજમાં થયુ. આ નાટ્ય પ્રસ્તૃતિએ દર્શકોને પેટ પકડીને હસાવવાની સાથે સામાજિક મુદ્દાઓ ઉપર ચિંતન કરવા પ્રેરિત કર્યા. ચેતન દૈયાનું નાટક “વેલકમ ભુરાભાઈ” એક બગડી રહેલ હાઉસિંગ સોસાયટીના એક એવા ભ્રષ્ટ ચેરમેનની વાર્તા રજુ કરે છે, જે વ્યક્તિગત લાભ મેળવવા માટે એક વિદેશી મિત્રને આમંત્રિત કરે છે. તેના મહેમાનોને પ્રભાવિત કરવા માટે તે ગરીબી અને ઉપેક્ષા છુપાવે છે, સાથે જ રીનોવેશન માટેના ભંડોળની ઉચાપત કરે છે. બંને સ્થળો પર પ્રદર્શનની વૈવિધ્યસભર શ્રેણીમાં દરેક માટે કંઈને કંઈ નવું જાણવા જોવા મળી રહે છે, જે તેને ખરેખર સર્વસમાવેશક અનુભવ બનાવે છે.
વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશનના પ્રદર્શનમાં સાક્ષી બી. શાહ અને ચૈતન્ય ટાંકે સ્વાશ્રય પ્રદર્શિત કર્યો, જે વિચારોના કેનવાસની સાથે વિચાર-પ્રેરક પ્રતિબિંબોનો સંગ્રહ રજૂ કરે છે. પ્રદર્શનનો પ્રત્યેક ભાગ અન્વેષણ કરવા, તમારી ઓળખને આકાર આપવા અને તમને અલગ કરવા માટે અનન્ય લેન્સ પ્રદાન કરે છે. સાક્ષીનું માનવું છે કે આ પ્રતિબિંબ વ્યક્તિના અનુભવો સાથે તાદાત્મ્ય સાધી શકે છે અને વ્યક્તિ વિશે કંઈક પ્રગટ કરી શકે છે. તેમણે દર્શકોને તેની કલા સાથે જોડાવવા અને વિવિધ પરિપ્રેક્ષ્યને માણવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
અન્ય એક ઇન્સ્ટોલેશન "મેટામોર્ફોસિસ - ધ વિઝ્યુલ એક્સપ્લેસન ઓફ અર્બન સ્લમ ચેલેન્જ" એ મુલાકાતીઓનું ધ્યાન આકર્ષિત કર્યું હતુ. આસામના ડિબ્રુગઢના વિઝ્યુઅલ કલાકાર હિમાલય બોરુઆહએ પોતાના આ ઇન્સ્ટોલેશનમાં શહેરી ઝુંપડપટ્ટી વિસ્તારના પડકારોનું વિઝ્યુઅલ અન્વેષણ કર્યુ છે. પોતાના લીલાછમ વતનથી પ્રેરિત થઈને તેઓ પ્રકૃતિના સારને આલેખતી કલાકૃતિઓ બનાવે છે. આ રચનાત્મક ઇન્સ્ટોલેશનના માધ્યમથી તમણે નજરઅંદાજ કરવામાં આવતી શહેરી ઝુંપડપટ્ટી વાસીઓના પડકારો ઉપર પ્રકશ પાડ્યો છે. ઇન્સ્ટોલેશનમાં રહેલ બિલ્ડીંગ આ પડકારો માટેનું રૂપક અને એક ગરીબ સમુદાયના જીવનની કઠોર વાસ્તવિક્તાઓને દર્શાવતો કેનવાસ બની જાય છે. તુટેલી દિવાલો, ઉખડી ગયેલ કલર અને તુટેલ બારીઓ સાથે ખરાબ થઈ રહેલ મુખોટો આ સમુદાયની સ્થિતિસ્થાપકતા અને શક્તિને પ્રતિબિંબિત કરે છે. કલાકૃતિ સાથે જોડાઈને કલાકાર તમને હાંસિયામાં ધકેલાયેલ આ સમુદાયની સ્થિતિસ્થાપકતા, સામાજિક અને પર્યાવરણીય ન્યાયની તાત્કાલિક જરૂરિયાત અને પ્રતિકુળ પરિસ્થિતીઓનો સામનો કરવા માટે સકારાત્મક પરિવર્તનની ક્ષમતા અંગે વિચાર કરવા પ્રેરીત કરે છે.
ઇમ્ફાલ, મણિપુરથી આવતા પૂર્વોત્તરના અન્ય એક કલાકાર ક્ષેત્રિમયમ ગોપીનાથ સિંહે પોતાનું ઇન્સ્ટોલેશન "લોકતકના પડઘા" રજુ કર્યુ છે. જેમાં લોકતક સરોવર અને લુપ્તપ્રાય સંગાઈ હરણની શાંત સુંદરતાને કેપ્ચર કરવામાં આવી છે. સરોવર આજીવિકા ટકાવી રાખે છે છતાં પર્યાવરણીય પડકારોનો સામનો કરી રહ્યું છે અને માત્ર લોકતક સરોવરમાં જ જોવા મળતુ સંગાઈ હરણ મણિપુરના ગૌરવ અને સંઘર્ષ બન્નેનું પ્રતિક છે. સામાન્ય રીતે જોવા મળે છે કે અત્યાધિક સુંદર સ્થળોએ મોટાભાગે સંઘર્ષ થાય છે, તે અહીં પણ જોવા મળે છે. સિંહ આ ઇન્સ્ટોલેશનના માધ્યમથી આ વિરોધભાસને શોધવા પ્રયત્ન કરે છે, જેમાં દર્શાવવામાં આવ્યુ છે કે કઈ રીતે મણિપુરનું પરિદ્રશ્ય પ્રાકૃતિક સુંદરતા અને માનવ સંઘર્ષ બન્નો નો ભાર ઉઠાવી રહ્યું છે.અભિવ્યક્તિ ઉત્સવમાં દર્શકો વહેલા તે પહેલાના ધોરણે નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકે છે. ત્રીજા દિવસનો કાર્યક્રમ નીચે મુજબ છે
૨૩મી નવેમ્બર, ૨૦૨૪ ના પ્રદર્શનનો કાર્યક્રમ, સાંજે ૫:૦૦ વાગ્યાથી વિઝ્યુઅલ આર્ટ માટે પ્રદર્શન ખુલ્લુ રહેશે | ||||
સ્થળ | કલાકારો | થીમ | કલાનો પ્રકાર | સમય |
એમ્ફીથિયેટર - GU કેમ્પસ | જૈમિલ જોશી | બોર્ડરલેન્ડ | નૃત્ય - ક્લાસિકલ શબ્દભંડોળ સાથે સમકાલીન | સાંજે ૦૭:૧૫ વાગ્યે |
ઓડિટોરિયમ - GU કેમ્પસ | તુષાર શર્મા | 99 દિવસ - હાસ્ય અને ડ્રામા | નાટક | સાંજે ૦૭:૧૫ વાગ્યે |
મંચ - GU કેમ્પસ | સ્મિત ભટ્ટ | થપ્પો | સમકાલીન સંગીત | સાંજે ૦૭:૧૫ વાગ્યે |
અટીરા | રાકેશ વાની | અનંત લે - રિધમ ફ્યુઝન | સંગીત | સાંજે ૦૭:૧૫ વાગ્યે |
પ્લેટફોર્મ GU | રાગી ખંભાલવી | ચાર બાઈટ ગુજરાતી | લોક સંગીત | રાત્રે ૦૮:૩૦ વાગ્યે |
પ્લેટફોર્મ અટીરા | માનસી મોદી | ફનામ્બ્યુલિઝમ | નૃત્ય – સ્ટ્રીટ આર્ટ | રાત્રે ૦૮:૩૦ વાગ્યે |
એમ્ફીથિયેટર - GU કેમ્પસ | રાજુ બારોટ | રંગ ભૂમિના સદાબહાર ગીતો | પરંપરાગત લોક સંગીત | રાત્રે ૦૯:૩૦ વાગ્યે |
ઓડિટોરિયમ - GU કેમ્પસ | ભગવત પ્રજાપતિ | દ્વે (અ જર્ની ઓફ ઇતિ-નેતિ) | નૃત્ય - ભારતીય શાસ્ત્રીય અને સમકાલીન | રાત્રે ૦૯:૩૦ વાગ્યે |
મંચ - GU કેમ્પસ | મુક્ત બેન્ડ | ધ પેલેટ ઓફ ટાઈમ | સંગીત – ફ્યુઝન રોક | રાત્રે ૦૯:૩૦ વાગ્યે |
અટીરા | અનન્યા વૈદ્ય | વહી કહાની, ફિર | નાટક – આધુનિક લોક પ્રયોગાત્મક | રાત્રે ૦૯:૩૦ વાગ્યે |