સાપુતારામાં વરસાદી માહોલને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યાં, ગીરાધોધનો રમણીય નજારો
- સર્પગંગા તળાવથી લઈ પ્રસિદ્ધ ટેબલ પોઈન્ટનો અનોખો નજારો,
- સાપુતારાનું કૂદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું,
- ગીરા ધોધની સુંદરતા અને ગર્જના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ
સાપુતારાઃ ગુજરાતના હીલ સ્ટેશન ગણાતા ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખલી ઊઠ્યું છે. અને કુદરતનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે. સાપુતારાના સર્પગંગા તળાવથી લઈ પ્રસિદ્ધ ટેબલ પોઈન્ટ સુધીના અનોખા નજારાથી પ્રવાસીઓને રોમાંચક બન્યા હતા.
ડાંગ જિલ્લામાં સતત વરસતા વરસાદને કારણે ગીરા ધોધે પોતાની મૂળ સુંદરતા પાછી મેળવી છે. ધોધનો ખીલી ઉઠેલો નજારો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મહાલ ઇકો ટુરિઝમ વિસ્તાર પણ કુદરતી સુંદરતાથી ખીલી ઉઠ્યો છે. હરિયાળી અને વાદળછાયા વાતાવરણ વચ્ચેનું આ દૃશ્ય મુલાકાતીઓને મનમોહક લાગી રહ્યું છે. ખાપરી નદીના પાણી અંબિકા નદીમાં ધોધરૂપે ખાબકતા દૃશ્યે પર્યટકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. ધોધની ગર્જના અને પાણીના પ્રવાહે પ્રવાસીઓને કુદરતના આ અદભુત સર્જનનો આનંદ માણવા મજબૂર કર્યા છે.
સાપુતારા અને ગીરા ધોધના આ નજારાઓ ડાંગ જિલ્લાના પર્યટનને નવી ઊંચાઈઓએ લઈ જઈ રહ્યા છે. ચોમાસાની ઋતુમાં કુદરતના આ નજારાઓ પ્રવાસીઓ માટે એક યાદગાર અનુભવ બની રહ્યા છે. ડાંગ જિલ્લાના વઘઈ ગામ નજીક આવેલો ગીરા ધોધ કુદરતના અદભુત સર્જનનો એક નમૂનો છે. ખાપરી નદીના પાણી અંબિકા નદીમાં ધોધરૂપે ખાબકે છે, જ્યાં આ પ્રખ્યાત ગીરા ધોધ જોવા મળે છે. ચોમાસાની ઋતુમાં આ ધોધની સુંદરતા અને ગર્જના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.