દીવના બીચ પર થર્ટી ફર્સ્ટ મનાવવા પ્રવાસીઓ ઉમટી પડ્યાં
- ગુજરાતમાં પોલીસની ધોંસને લીધે ઘણા પીવાના શોખિનો દીવ પહોંચી ગયા,
- દરિયાની મોજ માણવા રાજસ્થાનના પ્રવાસીઓ પણ દીવ પહોંચ્યા,
- તમામ હોટલો-રિસોર્ટ હાઉસફુલ
ઊનાઃ સૌરાષ્ટ્ર દરિયા કિનારે આવેલા કેન્દ્ર શાસિત દીવમાં થર્ટી ફર્સ્ટ મનાવવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. દીવ કેન્દ્ર શાસિત હોવાથી દારૂબંધી નથી. તેથી પીવાના શોખિનો પણ દીવ પહોંચી ગયા છે. દીવમાં આજે અનેક સ્થળોએ રાત્રીના પાર્ટીઓનું આયોજન કરાયુ છે. આજે સાંજના સમયે દીવના તમામ બીચ પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. હોટલો અને રિસોર્ટ હાઉસફુલ છે. આવતી કાલે નવા વર્ષના સૂરજને નિહાળવા પ્રવાસીઓ સવારથી જ બીચ પર એકઠા થશે.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રવાસીઓ દૂર દૂરથી દીવ પહોંચી ગયા છે. ગુજરાત બોર્ડરને અડીને દીવ આવેલું હોવાથી ગુજરાતીઓ અહીં પહોંચી ગયા છે. પરંતુ અન્ય રાજ્યના લોકો પણ મોટી સંખ્યામાં દીવ પહોંચી ગયા છે અને દીવના બીચ ઉપર દરિયાની મોજ માણી રહ્યા છે. વર્ષ 2024ને ગુડ બાય કહેવા અને નવા વર્ષને આવકારવા લોકો થનગની રહ્યા છે. દીવના તમામ બીચ, હોટલ હાઉસફુલ થઈ ગયા છે. મોટી સંખ્યામાં લોકો નાતાલનું વેકેશન દીવમાં માણી રહ્યા છે. આજે સાંજે નાગવા બીચ ઉપર પ્રવાસીઓની સારીએવી ભીડ જોવા મળી હતી. આ વખતે રાજસ્થાનથી ઘણાબધી પ્રવાસીઓ દીવ ફરવા માટે આવ્યા છે. અને પોતાના પરિવાર સાથે અહીં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી રહ્યા છે.
રાજસ્થાનથી આવેલા એક પ્રવાસીએ જણાવ્યું હતું કે, દીવમાં દરિયો જોઈને ખૂબ આનંદ આવ્યો છે. અહીંના બીચ પણ સુંદર છે. અહીં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે આવ્યા છીએ. નવા વર્ષને આવકારવા માટે આવ્યા છે. રણમાંથી દરિયા કિનારે આવ્યા છીએ. તેની મજા અલગ છે. દીવના દરિયો સુંદર અને સ્વચ્છ છે. અહીંના બીચ ખૂબ સારા છે.