જન્માષ્ટમીની 5 દિવસની રજાઓમાં ગોવા, મહાબળેશ્વર જવા માટે પ્રવાસીઓનો ક્રેઝ
- પ્રવાસીઓમાં ડોમેસ્ટિકમાં ગોવા, મહાબળેશ્વર અને ઇન્ટરનેશનલમાં બાલી,
- દુબઇ હોટ ફેવરિટ, ઘણા પ્રવાસીઓ માઉન્ટ આબુ અને ઉદેપુર જઈને રજાઓ માણશે,
- પ્રવાસન સ્થળોની હોટલોમાં બુકિંગ ફુલ થવા લાગ્યા
રાજકોટઃ જન્માષ્ટમીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે લોકો પરિવારજનો સાથે જન્માષ્ટમીની 5-6 દિવસની રજાઓમાં ફરવા જવા માટેનો પ્લાન ઘડી રહ્યા છે. પ્રવાસીઓમાં હાલ ગોવા અને મહાબળેશ્વરની વધુ ઈન્કવાયરીઓ હોવાનું ટૂર ઓપરેટરો કહી રહ્યા છે. ઘણા પરિવારો માઉન્ટ આબુ, સાપુતારા તેમજ ઉદેપુરના પ્રવાસે જવાના છે. પ્રવાસન સ્થળોમાં મોટાભાગની હોટલો અને રિસોર્ટ બુક થઈ ગયા છે.
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનું વિશેષ મહત્ત્વ હોય છે. જન્માષ્ટમી દરમિયાન 5-6 દિવસનું મિની વેકેશન હોય છે, જેમાં મોટાભાગના વેપારીઓ પોતાના ધંધા બંધ રાખતા હોય છે. તેમજ શાળા-કોલેજોમાં પણ રજા હોવાને કારણે લોકો આ દિવસોમાં બહારગામ ફરવા નીકળી પડે છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રભરના ગ્રામ્ય વિસ્તારના લોકો તો જન્માષ્ટમીનો મેળો માણવા માટે રાજકોટ શહેરમાં આવે છે, પરંતુ રાજકોટ, જામનગર અને મોરબીવાસીઓ આ રજા માણવા માટે પરિવાર સાથે એકાદ સપ્તાહની ટૂરમાં જતા હોય છે.
આગામી જન્માષ્ટમીનાં તહેવારોમાં ચૂર ઓપરેટરો પાસે બુકિંગ પણ એક મહિના પહેલા શરૂ થઈ ચૂક્યા છે. જો કે, આ વર્ષે ટ્રેનના બુકિંગ ફૂલ અને ફ્લાઈટના ભાડા બમણા થતાં પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. આર્થિક મંદી અને વરસાદી વાતાવરણ છતાં 5 દિવસની રજાઓમાં ફરવા જવાનો પ્લાન ઘડી કાઢ્યો છે. ફ્લાઈટ્સ અને રેલવેમાં ટિકિટ બુકિંગ કરાવી લીધા છે. જેમાં આ વખતે ગોવા અને મહા બળેશ્વર જવા માટે સૌથી વધુ બુકિંગ થયા છે.
રાજકોટના એક ટૂર ઓપરેટરના કહેવા મુજબ જન્માષ્ટમીનાં તહેવારોમાં લોકો બહારગામ ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. જોકે મીની વેકેશન માણવાનો હાલ જોઈએ તેવો ધસારો નથી. સૌરાષ્ટ્રમાંથી રાજકોટ, મોરબી અને જામનગરનાં લોકો મોટાભાગે ફરવા જતા હોય છે. જેમાં પણ ગતવર્ષની તુલનાએ ચાલુ વર્ષે 50 % બુકિંગ થયા છે. આ વર્ષે પણ ડોમેસ્ટિકમાં મહાબળેશ્વર અને ગોવા તો ઇન્ટરનેશનલમાં બાલી તેમજ દુબઇ હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે. જોકે તમામ ટ્રેનોનાં એડવાન્સ બુકિંગ 2 મહિના પહેલા જ ફૂલ થતા ફ્લાઇટનાં ભાડા બમણા થયા છે. જેના કારણે અનેક લોકોએ ફરવાનો પ્લાન પડતો મુક્યો છે.
શહેરના અન્ય એક ટૂર ઓપરેટરના કહેવા મુજબ ગુજરાતીઓ માટે ગોવા 365 દિવસ હોટ ફેવરિટ છે અને ત્યાંનાં બુકિંગ સારા થઈ રહ્યા છે. આ સિવાય ડોમેસ્ટિકમાં લોનાવલા, મહાબળેશ્વર જવામાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. તો કેરળનાં પ્રવાસમાં પણ ખૂબ સારી ઇન્કવાયરી છે. ડોમેસ્ટિકમાં લોકો મોટાભાગે આ ત્રણ સેક્ટરમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. સાથે-સાથે જન્માષ્ટમીનો ધાર્મિક તહેવાર હોય એટલે અયોધ્યા સહિતના ધાર્મિક સ્થળોએ પણ લોકોનો ખૂબ ધસારો છે. આ માટે 4 લોકોના પરિવાર દીઠ અંદાજે રૂ. 1 લાખનો ખર્ચ કરવા લોકો તૈયાર છે.
તેમના કહેવા મુજબ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સામાન્ય રીતે લોકો 4થી 5 દિવસના પેકેજનું બુકિંગ કરાવતા હોય છે. જેમાં ગોવા મહાબળેશ્વર, કેરળ, લોનાવાલા અને પંચમઢી સહિતનાં ડોમેસ્ટિક સ્થળોનો સમાવેશ થાય છે. ધાર્મિક સ્થળોમાં ઉજ્જૈન અને અયોધ્યા જેવા સ્થળોની માગ વધુ છે. આ બધા પ્રવાસ 5થી 6 દિવસમાં પૂરા થાય છે. ઇન્ટરનેશનલ ટૂરિઝમમાં પણ આ વર્ષે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. દુબઈ, વિયેતનામ અને બાલી જેવા સ્થળોની માગ ગત વર્ષની સરખામણીએ ઓછી છે.