ગુજરાતમાં ઈન્ડિગોની એક ડઝન ફ્લાઈટ રદ થતા એરપોર્ટ પર પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો
- રાજકોટથી ઈન્ડિગોની 8 ફ્લાઈટ્સ રદ કરતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા,
- વડોદરાથી મુંબઈ, દિલ્હી. પૂણે અને ગોવાની ફ્લાઈટ પણ રદ કરાઈ,
- અમદાવાદમાં ઈન્ડિગોની ફ્લાઈટ મોડી થતાં પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો
અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી ઈન્ડિગોની વિમાની સેવા અનિયમિત બની રહી છે. સ્ટાફની અછતને કારણે ઈન્ડિગો ફ્લાઈટની સેવાને અસર પડી રહી છે. રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એરપોર્ટ પરથી સતત ત્રીજા દિવસે ઈન્ડિગો ફ્લાઈટ મોડી પડવાના કે રદ થવાના લીધે પ્રવાસીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 8 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે, જેમાં મુંબઈની 3, દિલ્હીની 2, હૈદરાબાદ, બેંગલુરુ અને ગોવાની 1-1 ફ્લાઈટનો સમાવેશ થાય છે. જ્યારે વડોદરાથી મુંબઈ-દિલ્હી-પુણે અને ગોવા જતી ઇન્ડિગોની ચાર ફ્લાઈટ રદ કરાઈ છે. સુરત એરપોર્ટ પર પણ ઈન્ડિગોની ફ્લાઈટના કોઈ ઠેકાણા નથી.તેમજ અમદાવાદમાં પણ ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
દેશભરના એરપોર્ટ્સ પર ઈન્ડિગોની ફ્લાઈટ્સ મોડી પડી રહી છે, કે રદ કરવામાં આવી રહી છે. ઈન્ડિગોની અનિયમિત બનેલી વિમાની સેવાથી પ્રવાસીઓ હાડમારી વેઠી રહ્યા છે. આજે અમદાવાદમાં ઇન્ડિગોની ફ્લાઇટ મોડી પડતા એરપોર્ટ પર પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. અને ‘ઇન્ડિગો ચોર હૈ, ઇન્ડિગો મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા. થોડીવાર માટે એરપોર્ટ પર માહોલ તંગ બન્યો હતો.
વડોદરાથી મુંબઈ, દિલ્હી, પુણે અને ગોવા જતી ઈન્ડિગોની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. ગઈકાલે પણ 2 ફ્લાઇટ રદ કરાઈ હતી અને 2 ફ્લાઇટ મોડી પડી હતી. ફ્લાઇટ રદ થતાં મુસાફરો અટવાઈ ગયા છે. જ્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ 12 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે, પરંતુ ઈન્ડિગો એર લાઇન્સની છેલ્લા બે દિવસથી અનેક ફ્લાઈટ મોડી પડી રહી છે અથવા તો કેન્સલ થઈ છે. આજે પણ રાજકોટ એરપોર્ટથી ઉડાન ભરતી ઈન્ડિગોની આઠ ફ્લાઈટ રદ કરવામાં આવતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. હાલ એર ઇન્ડિયાની મુંબઈની 2 અને દિલ્હીની 1 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. રાજકોટ એરપોર્ટ પરથી 8.05 વાગ્યાની દિલ્હીની ફ્લાઈટ કેન્સલ થઈ છે. આ ઉપરાંત 9.00 વાગ્યાની મુંબઈ, 12.05 વાગ્યાની ગોવા, 3.55 વાગ્યાની હૈદરાબાદ, 4.15 વાગ્યાની બેંગલુરુ, 4.55 વાગ્યાની મુંબઈ, 5.55 વાગ્યાની દિલ્હી, 7.55 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ કેન્સલ થઈ છે. ઈન્ડિગોની મોટા ભાગની ફ્લાઈટ છેલ્લા બે દિવસથી કેન્સલ અથવા તો મોડી પડતાં પ્રવાસીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે.