અમદાવાદના એરપોર્ટ પર નિર્ધારિત સમય કરતા વહેલા પહોંચવા પ્રવાસીઓને સુચના
- દિવાળીના તહેવારોમાં ટ્રાફિકને લીધે ફ્લાઈટ ચુકી ન જવાય તેની તકેદારી રાખવી જરૂરી,
- એરપોર્ટ પર ચેક-ઇન, સુરક્ષા તપાસ અને અન્ય પ્રક્રિયાઓમાં વધુ સમય લાગી શકે છે,
- પ્રવાસીઓ વધતા એરપોર્ટ પર સુરક્ષા અને સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી
અમદાવાદઃ દિવાળીના તહેવારોને લીધે ટ્રેનો પ્રવાસીઓથી ભરચક દોડી રહી છે. ત્યારે એરપોર્ટ પર પણ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ત્યારે શહેરના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) દ્વારા પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે. કે, દિવાળી તહેવારની સિઝનમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે, જેના કારણે ચેક-ઇન, સુરક્ષા તપાસ અને અન્ય પ્રક્રિયાઓમાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે. તેથી, પ્રવાસીઓ ફ્લાઇટના નક્કી કરેલા સમય કરતાં વહેલા એરપોર્ટ પર પહોંચ તેવી વિનંતી કરવામાં આવી છે.
દિવાળીના તહેવારમાં લોકો વેકેશન દરમિયાન ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતા હોય છે. ત્યારે વેકેશન દરમિયાન પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને એરપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રવાસીઓના વધેલા ધસારાને ધ્યાનમાં રાખીને, એરપોર્ટ સ્ટાફ દ્વારા સુરક્ષા અને સુવિધા જાળવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રવાસીઓ સમયસર એરપોર્ટ પર થતી પ્રક્રિયાઓને ઝડપી બનાવવામાં મદદ કરશે અને છેલ્લી ઘડીની દોડધામ અને કોઈ ફ્લાઇટ ચૂકી ન જાય તેવી પરિસ્થિતિ ટાળી શકાશે. પ્રવાસીઓને અસુવિધા ન થાય તે માટે, એરપોર્ટ ઓથોરિટી સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
એરપોર્ટ પ્રશાસને સુરક્ષા કર્મચારીઓ તેમજ એરલાઇન સ્ટાફને સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. આ દિવાળીની રજાઓમાં એરપોર્ટ પર પ્રવાસ કરી રહેલા તમામ નાગરિકોને યાત્રાનું યોગ્ય આયોજન કરવા અને સમયસર પહોંચીને તેમની ફ્લાઇટ ચૂકી ન જાય તેની ખાસ તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે.