ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં ઐતિહાસિક સરદાર બાગનું રીનોવેશન; "પ્રતિતિ" પહેલ હેઠળ શહેરમાં ૧૧મો જાહેર બાગ તૈયાર કરાયો
અમદાવાદ: ટોરેન્ટ ગ્રુપની ચેરિટેબલ શાખા યુ.એન.એમ. ફાઉન્ડેશને પોતાની પ્રતિતિ પહેલ અંતર્ગત વિકસાવવામાં આવેલ અને સંચાલિત પુનઃસ્થાપિત સરદાર બાગ રવિવારે અમદાવાદના નાગરિકોને સમર્પિત કર્યો. શહેરમાં પર્યાવરણીય સંવાદિતા અને કુદરતી ભવ્યતાના વારસાને પુનર્જીવિત કરતા આ બગીચાનું ગાંધીનગર લોકસભા વિસ્તારના માનનીય સાંસદ અને ભારત સરકારના માનનીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્દ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ ઉદ્ઘાટન કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ; અમદાવાદ શહેરના માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન; ટોરેન્ટ ગ્રુપના ચેરમેન એમેરિટસ સુધીર મહેતા; ટોરેન્ટ પાવરના વાઇસ ચેરમેન અને મૅનેજિંગ ડિરેક્ટર જિનલ મહેતા; સંસદ સભ્ય હસમુખભાઈ પટેલ; ધારાસભ્યો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો.
૧૫ મી સદીના શાહી કિલ્લાની ભવ્યતાનો એક ભાગ રહેલ સરદાર બાગનું યુ.એન.એમ. ફાઉન્ડેશનની પ્રતિતિ પહેલ હેઠળ રિનોવેશ કરવામાં આવ્યું છે. આ સાથે અમદાવાદમાં પ્રતિતિ પહેલ હેઠળ તૈયાર કરાયેલ બગીચાઓની સંખ્યા ૧૧ પર પહોંચી છે. જે શહેરના હરીયાળા જાહેર સ્થળોમાં વધારો કરે છે. સરદાર બાગનું ઐતિહાસિક મહત્વ છે. સ્વતંત્રતા પહેલાના સમયગાળામાં સરદાર બાગમાં અનેક પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે જોડાયેલી ઘણી સભાઓ યોજાઈ હતી.
એક સમયે ફળ અને ફૂલ થી આચ્છાદિત વૃક્ષો/છોડથી સમૃદ્ધ આ બગીચો છેલ્લા કેટલાક દાયકાઓમાં નિર્જન બનવા પામ્યો હતો. આજે પ્રતિતિ પહેલ હેઠળ રિનોવેશન અને સંરક્ષણના પ્રયાસોથી આ બગીચો ફરી લીલોતરી ઓઢીને ખીલી ઉઠ્યો છે. બગીચાના ઐતિહાસીક મહત્વ અને પર્યાવરણના સંરક્ષણ બન્નેને ધ્યાને લઈને ખુબ જ બારીકાઈથી આ બગીચાનું રિનોવેશન કરવામાં આવ્યુ છે.
પુનઃસ્થાપિત સરદાર બાગનો કુલ વિસ્તાર 26,010 ચોરસ મીટર છે અને તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સેન્ટ્રલ ઝોનના જમાલપુર વોર્ડમાં જૂના રૂપાલી સિનેમા, લાલ દરવાજાની સામે સ્થિત છે. આ નવીનીકૃત બાગ શહેરના સૌંદર્ય અને આધ્યાત્મિક મહત્વને પુનઃ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવ્યો છે, સાથે જ તેમાં નાગરિકોની વિવિધ જરૂરિયાતો અને સુખ-સુવિધાઓનું પણ પુરતુ ધ્યાન રાખવામાં આવેલ છે.
બગીચાની મુખ્ય વિશેષતાઓ :
- વ્હીલચેર-સુલભ રેમ્પ સાથેનો મોટો પ્રવેશદ્વાર
- ચાલવા અને દોડવા માટે ૧.૫ કિમી લાંબો ચારુ પથ. આ ઈંટોથી તૈયાર થયેલો પથ ચાલનારના ઘૂંટણને અનુકૂળ અને પાણીના પ્રવાહને સુગમ બનાવતો પથ છે
- હવામાન-પ્રતિરોધક ઉપકરણો સાથેનું ઓપન જીમ.
- સુરક્ષિત અને મનોરંજક રમત-ગમતના સાધનોથી સુસજ્જ ચિલ્ડ્રન પ્લે એરિયા
- સાંસ્કૃતિક પ્રદર્શન માટે એક ૧૫૦ બેઠક ક્ષમતાવાળા ખુલ્લું અને અંડાકાર એમ્ફી થિયેટર.
- આરામ કરવા માટે એક સુખદ અને શાંતિવાળું સ્થળ એવી બેઠક વ્યવસ્થા સાથેના ૮ જળાશયો
- વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળ સંરક્ષણને માટે રિચાર્જ કુવાઓ
- વ્હીલચેરની સુવિધા સાથે ઉજાસવાળા અને સ્વચ્છ શૌચાલય, સાથે જ શારીરિક રીતે દિવ્યાંગ લોકો માટે એક અલગ બ્લોક અને પીવાના પાણીની સુવિધાઓ.
- અમદાવાદની ગુલાબ ઇત્તર (પરફ્યુમ) ઉત્પાદનના વારસાને પ્રદર્શીત કરતો ગુલાબનો બગીચો
- ૧૯૫ જેટલા હયાત વૃક્ષોનું સંરક્ષણ કરવાની સાથે ૬૫ જેટલી પ્રજાતિઓના ૬૩૦ થી વધુ વૃક્ષો નવા તૈયાર કરવામાં આવ્યા છે, આ વૃક્ષો પક્ષીઓને આશ્રય પુરો પાડવાની સાથે હવાની ગુણવત્તા સુધારવા અને સ્થાનિક જૈવ વિવિધતાને જાળવી રાખવાની પ્રાથમિક્તાના આધારે પસંદ કરવામાં આવ્યા છે.
- પતંગિયા અને મધમાખીઓને આકર્ષવા માટે ૧૯૦ પ્રજાતિઓના ૭૫,૦૦૦ થી વધુ ઝાડીઓ, વાંસ અને ઘાસ વાવવામાં આવ્યા છે.
અમદાવાદના નાગરિકો માટે શહેરમાં હરિયાળી જગ્યાઓ વધારવા માટે ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલ પ્રયાસોને સમર્થન આપવા માટે યુ.એન.એમ. ફાઉન્ડેશન અમદાવાદ મહાનગરપાલિકા (એ.એમ.સી.) અને ગુજરાત સરકાર પ્રતિ આભાર વ્યક્ત કરે છે. યુ.એન.એમ. ફાઉન્ડેશન પ્રતિતિ પહેલ હેઠળ તૈયાર કરવામાં અમદાવાદ શહેરમાં (સરદાર બાગ સહિત) કુલ ૧,૩૧,૪૧૪ ચોરસ મીટર વિસ્તારને આવરી લેતા ૧૧ જાહેર ઉદ્યાનોનું નવીનીકરણ/વિકાસ અને જાળવણી કરવા માટે પ્રતિબદ્ધ છે. વધુમાં, અમદાવાદ શહેરમાં અત્યારે ૬૧,૦૦૦ ચોરસ મીટર વિસ્તારને આવરી લેતા વધુ ૫ બગીચાઓ વિકસાવાઈ રહ્યા છે.
યુ.એન.એમ ફાઉન્ડેશન શહેરી વિસ્તારોમાં હરિયાળીના વિસ્તરણ અને સંરક્ષણને પ્રાધાન્ય આપી રહ્યું છે. પ્રતિતિ પહેલ થકી ફાઉન્ડેશન અમદાવાદ, ગાંધીનગર, સુરત અને દમણ સહિતના શહેરોમાં આવેલ ૧૩ જાહેર બગીચાઓ અને ૨ તળાવોમાં લગભગ ૫૦ હેક્ટર (આશરે ૫ લાખ ચોરસ મીટર) વિસ્તારમાં આવેલ વૈશ્વિક માનકો મુજબ તૈયાર કરવામાં આવેલ હરિયાળા વિસ્તારનું સંચાલન કરે છે. પ્રતિ વર્ષ લગભગ ૫૮ લાખથી વધુ લોકો આ વિસ્તારોની મુલાકાત લે છે. આવનારા સમયમાં પ્રતિતિ પહેલને મહારાષ્ટ્ર સુધી વિસ્તારવાની યોજના ઉપર ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે.