કાલે 16મી માર્ચ, રાષ્ટ્રીય રસીકરણ દિવસ, 95.95% રસીકરણ સાથે ગુજરાત મોખરે
- ગુજરાતમાં9,95,395 બાળકો અને 2,25,960 સગર્ભા મહિલાઓનું રસીકરણ થયું,
- જાન્યુઆરીમાં25,736 બાળકોને BCG, OPV, Penta, IPV સહિત રસીઓ અપાઈ
- 3 વર્ષમાં શાળા-બાલવાટિકાના18 લાખ બાળકોને ટિટેનસ-ડિપ્થેરિયાની રસી અપાઈ
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘દરેક માતા-બાળક રહે સ્વસ્થ’ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતે SDG-3 ઇન્ડેક્સ અનુસાર, મિશન ઇન્દ્રધનુષ હેઠળ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ (UIP) માં 95.95% રસીકરણ કરીને રાષ્ટ્રીય સરેરાશ (93.23%) કરતા સારું પ્રદર્શન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે નવજાત શિશુઓ અને સગર્ભા મહિલાઓ સુધી રસીકરણની સેવાઓ પહોંચાડવા માટે અસરકારક પહેલ કરી છે, જેના કારણે આ સકારાત્મક પરિણામો હાંસલ થયા છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે ગુજરાતનો આરોગ્ય વિભાગ 15 અને 16 માર્ચના રોજ ઓરી / રૂબેલા જેવા રોગો માટે વિશિષ્ટ રસીકરણ અભિયાન પણ ચલાવવા માટે સજ્જ થઈ રહ્યો છે.
વર્ષ 2024-25 (એપ્રિલ-ફેબ્રુઆરી દરમિયાન)માં ગુજરાતમાં 1 વર્ષની ઉંમરના બાળકોનું સંપૂર્ણ સરેરાશ રસીકરણ કવરેજ 98% રહ્યું. તેમાંથી કેટલીક રસીઓના આંકડાઓ વિશે વાત કરીએ તો, બેસાલિસ કેલ્મેટ ગુરિન (BCG)નું રસીકરણ કવરેજ 96%, પંચગુણી (DPT+Hep-B+HiB)નું 95%, અને ઓરી/રૂબેલા (MR) નું રસીકરણ કવરેજ 97% રહ્યું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રસીકરણ કવરેજની આ ઉપલબ્ધિમાં રાજ્ય સરકારની અનોખી અને વિશિષ્ટ પહેલો જેવીકે, ‘ધન્વંતરી રથ’, ‘ટીકા એક્સપ્રેસ’ અને ‘મોબાઈલ મમતા દિવસ’ (અંતરિયાળ વિસ્તારોમાં રસીકરણ સેવાઓ)નું મોટું યોગદાન છે.
કેન્દ્ર સરકારના સઘન મિશન ઇન્દ્રધનુષ હેઠળ ગુજરાત સરકારે 0-2 વર્ષના તમામ બાળકો અને સગર્ભા મહિલાઓની સઘન રસીકરણ ઝુંબેશને ખૂબ જ અસરકારકતા સાથે લાગૂ કરી છે. તેનાથી મિશન ઇન્દ્રધનુષ હેઠળ રસીકરણના કવરેજમાં 20% થી વધુનો વધારો નોંધવામાં આવ્યો છે. આ ઝુંબેશ હેઠળ અત્યારસુધીના તમામ તબક્કાઓ હેઠળ રાજ્યના 9,95,395 બાળકો અને 2,25,960 સગર્ભા મહિલાઓનું રસીકરણ થયું છે. આ મિશન તે બાળકો સુધી પહોંચાડવાનો એક પ્રયાસ છે, જેઓ કોઈપણ કારણસર નિયમિત રસીકરણથી વંચિત રહી ગયા છે.
ગુજરાત સરકારના ખિલખિલાટ વ્હીકલના કારણે પણ રાજ્યના લાખો બાળકોના જીવનમાં સ્મિત આવ્યું છે. આ વર્ષે 16થી 22 જાન્યુઆરી દરમિયાન, રાજ્ય સરકારે એક ખાસ ‘ખિલખિલાટ રસીકરણ અભિયાન’ હાથ ધરીને 25,736 બાળકોને BCG, OPV, Penta, IPV, Rota, PCV, MR અને DPT રસીઓ આપી હતી. એટલું જ નહીં, રાજ્ય સરકારે ખાસ રસીકરણ અભિયાન દ્વારા વડોદરા, સુરત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મોરબીને કેન્દ્રિત કરીને રસીકરણ હાથ ધર્યું હતું, જેનાથી તેનો વ્યાપ નોંધપાત્ર રીતે વધ્યો છે.
ટિટેનસ-ડિપ્થેરિયા જેવા રોગો સામે વ્યાપક રસીકરણ માટે ગુજરાત સરકારે છેલ્લા 3 વર્ષમાં આંતર-વિભાગ સંકલન પ્રક્રિયા અપનાવી છે. આ અંતર્ગત, શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે 10 વર્ષ અને 16 વર્ષના વિદ્યાર્થીઓનું શાળામાં જ રસીકરણ કર્યું હતું અને 2024માં પાંચ વર્ષના બાળકોને DPT રસીનો બીજો ડોઝ બાલવાટિકામાં આપવામાં આવ્યો હતો. આમ, બંને શ્રેણીઓમાં કુલ 18 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવી હતી. (File photo)