For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કાલે વિશ્વ આરોગ્ય દિન, લોકોની આરોગ્ય સુખાકારી માટે બજેટમાં 23000 કરોડનો વધારો

02:36 PM Apr 06, 2025 IST | revoi editor
કાલે વિશ્વ આરોગ્ય દિન  લોકોની આરોગ્ય સુખાકારી માટે બજેટમાં 23000 કરોડનો વધારો
Advertisement
  • ગુજરાતમાં વિવિધ સ્થળોએ નવી ન્યુરોલોજીકલ સાયન્સ સંસ્થા કાર્યરત થશે
  • જાન્યુઆરી-2025 સુધીમાં PHC ખાતે 1.44 કરોડ, CHC દ્વારા 1.31 કરોડ દર્દીઓને સારવાર,  
  • ગુજરાત ટીબી નિર્મુલન કામગીરીમાં અગ્રેસર

ગાંધીનગરઃ કાલે તા. 7મી એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિન છે. ત્યારે ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય દિનની ઊજવણી કરવામાં આવશે. રાજ્યના પ્રત્યેક નાગરિકને સર્વશ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પુરી પાડવાના સંકલ્પ સાથે રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે, જેના ફળસ્વરૂપે સમગ્ર દેશમાં ગુજરાત વર્લ્ડ ક્લાસ આરોગ્ય સુવિધાઓ પૂરું પડતું રાજ્ય બન્યું છે. વધુમાં વધુ નાગરિકો ઉત્તમ આરોગ્ય સેવાઓ મેળવી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના વર્ષ 2024-25ના  રૂ.20,100 કરોડના બજેટમાં 16.35 ટકા જેટલો વધારો કરીને નાણાંકીય વર્ષ 2025-26માં  રૂ. 23.385.33 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

રાજ્યના સામાન્ય નાગરિકો અને છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકોને વિવિધ આરોગ્ય સેવાઓ મેળવવામાં કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર અનેકવિધ આયોજનબદ્ધ પગલાં લઈ રહી છે. જેના પરિણામે આગામી સમયમાં અમદાવાદ સિવિલ મેડિસીટીમાં મગજ અને નર્વ સિસ્ટમ સંબંધિત રોગોની સારવાર તેમજ સંશોધન માટે ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયત સંસ્થાનું નિર્માણ કરવામાં આવશે. તદ્પરાંત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ દ્વારા કેન્સરના રોગોની સેવાઓ સુદ્રઢ કરવા પોરબંદર, હિંમતનગર, વલસાડ અને ગોધરા ખાતે નવા રેડિયોથેરાપી સેન્ટરો શરૂ કરવામાં આવશે. તેવી જ રીતે યુ.એન.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડીયોલોજી, અમદાવાદ દ્વારા ગાંધીનગર અને સુરત ખાતે કાર્ડિયોલોજી તથા ન્યુરોલોજી વિભાગની સેવાઓ તેમજ રાજકોટ અને ભાવનગર ખાતે કાર્ડિયોલોજી સેટેલાઈટ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે.

એક નવીન અભિગમ સાથે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગંભીર કે જીવલેણ બિમારીથી પીડાતા દર્દી જ્યારે જીંદગીના અંતિમ તબક્કામાં હોય ત્યારે તેમને સારવારની સાથે સંભાળ પણ મળે તે માટે 6 સરકારી હોસ્પિટલમાં ‘પેલિયેટીવ કેર’ વોર્ડ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલ તેમજ એમ. એન્ડ જે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓપ્થાલ્મોલોજી અને સ્પાઈન ઈન્સ્ટીટયુટ, અમદાવાદ ખાતે રૂ. 100 કરોડના ખર્ચે નવા અત્યાધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરવામાં આવશે.

Advertisement

દર વર્ષેની જેમ આ વર્ષે તા. 7 એપ્રિલના રોજ “Healthy beginnings, hopeful futures” થીમ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન-WHO દ્વારા ‘વિશ્વ આરોગ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આજે જ્યારે સમગ્ર વિશ્વ પોતાના નાગરિકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય પર વિશેષ ભાર મૂકી રહ્યું છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ નાગરિકોને સર્વશ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે કટિબદ્ધ છે. રાજ્યનો કોઈપણ નાગરિક આરોગ્ય સેવાઓથી વંચિત ન રહે તે માટે જાન્યુઆરી-2025 સુધીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-PHC દ્વારા અંદાજે કુલ 1.44 કરોડથી વધુ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર-CHC દ્વારા કુલ 1.31 કરોડથી વધુ દર્દીઓને ઓપીડી થકી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તના દર્દીઓને ઉચ્ચત્તમ સારવાર આપવામાં આવી રહી છે. જેના પરિણામે અત્યાર સુધીમાં રાજ્યમાં રક્તપિત્ત પ્રમાણદર 0.39  જેટલો જ રહ્યો છે, જે રાજ્ય સરકારની રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમના સફળતાપૂર્વક અમલીકરણ થકી નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં શરૂ કરવામાં આવેલા ટીબી મુક્ત ભારત અભિયાનમાં ટીબીના દર્દીઓને સાર્વત્રિક રીતે સારવાર મળતી થાય તે માટે ગુજરાત સરકાર પણ પ્રતિબદ્ધ છે, જે અન્વયે રાજ્યમાં ટીબીનું નિદાન અને સારવાર તમામ સરકારી આરોગ્ય કેન્દ્રોમાં વિનામૂલ્યે કરવામાં આવે છે. આ ઉપરાંત રાજયના તમામ જિલ્લાઓમાં કુલ 33 જિલ્લા ક્ષય કેન્દ્ર, 8 શહેરી ક્ષય કેન્દ્ર, તમામ તાલુકા અને અર્બન વિસ્તારમાં 308  જેટલા ટીબી યુનિટ તેમજ ગંભીર પ્રકારના દર્દીના નિદાન માટે ૩ કલ્ચર લેબોરેટરી અને 170 નાટ લેબોરેટરી કાર્યરત કરવામાં આવી છે. જેના પરિણામે ગુજરાતમાં વર્ષ 2024માં 1.37 લાખ કરતાં વધુ ટીબીના દર્દીઓની નોંધણી કરવામાં આવી હતી, જેમની સારવારનો સફળતાનો દર 90 ટકા જેટલો છે.

વધુમાં ટીબી નિર્મુલન કામગીરી અંતર્ગત રાજ્યમાં ટીબીના દર્દીઓને 3.43  લાખ કરતા વધુ પોષણ કીટ આપવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના તમામ દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુસર સારવાર ચાલુ રહે ત્યાસુધી દર મહિને રૂ. 500ની સહાય આપવામાં આવતી હતી, જેને વધારીને રૂ. 1000 કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement