કચ્છમાં ટ્રક-ટ્રાન્સપોર્ટરોની હડતાળ બાદ 4 ટોલ પ્લાઝા પર 3 દિવસ ટોલટેક્સ નહીં વસુલાય
- 11 દિવસમાં હાઈવે પરના ખાડા પુરીને રોડ રિસરફેસ કરાશે,
- હાઈવે ઓથોરિટી દ્વારા ખાતરી અપાતા ટ્રાન્સપોર્ટરે હડતાળ પરત ખેંચી લીધી,
- સોમવાર રાત્રે 12 વાગ્યા સુધી આ ચાર ટોલ ફ્રી રહેશે
ભૂજઃ કચ્છમાં વરસાદને લીધે નેશનલ હાઈવે પર ઠેર ઠેર મોટા ખાડા પડતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જિલ્લામાં ચાર ટોલ પ્લાઝા પર રોજ કરોડો રૂપિયાનો ટોલ ઉઘરાવવા છતાયે હાઈવે પરના ખાડા પૂરવામાં આવતા નહતા. આથી કચ્છના ટ્રક ટ્રાન્સપોર્ટરોએ નો-રોડ, નો ટોલટેક્સનું સૂત્ર આપીને હડતાળનું એલાન આપતા જિલ્લા કલેકટરે તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા. આ બેઠકમાં 11 દિવસમાં હાઈવે પરના તમામ ખાડા પુરી દઈને રોડ રિસરફેસ કરવાની ખાતરી આપીને જિલ્લાના ચાર ટોલપ્લાઝા પર 3 દિવસ ટોલ નહીં વસુલવાનો નિર્ણય લેવાતા ટ્રક-ટ્રાન્સપોર્ટરોએ હડતાળ પાછી ખેંચી છે.
કચ્છ જિલ્લામાં ચોમાસાના કારણે રસ્તાઓ જર્જરિત બન્યા બાદ સમયસર સમારકામ ન થતા વાહનચાલકોમાં રોષ ભરાયા હતા. વાહનચાલકો દ્વારા દરરોજ લાખો રૂપિયા ટોલના ચુકવ્યા બાદ પણ ખાડાવાળા રસ્તાઓ પર વાહન ચાલવવા પડતા હોવાથી ટ્રાન્સપોર્ટરોએ નો રોડ, નો ટોલની લડત શરૂ કરી હતી. વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હડતાળ શરૂ કરાતા તંત્ર એકશનમાં આવ્યું હતું. વિવિધ અધિકારીઓની ઉપસ્થિતિમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં ચાર ટોલનાકા પર સોમવારે રાત્રિ સુધી ટોલ નહીં વસૂલવાનો નિર્ણય કરાયો છે.રસ્તાઓ પર જે ખાડાઓ પડ્યા છે, તે મોરમ નાખી પુરી દેવાશે અને 11 દિવસમાં જ રિસફેસીંગ કરવાનો નિર્ણય કરાયો છે. તંત્રના આ પગલાં બાદ ટ્રાન્સપોર્ટરે હડતાળ પરત ખેંચી લીધી છે.
કચ્છ જિલ્લામાં રોડ રસ્તાની પરિસ્થિતિ કથળી જતા માલ પરિવહન કરતા વાહનધારકો રોષે ભરાયા હતા. બિસ્માર માર્ગોને લઈ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વિવિધ મંડળ દ્વારા ગઇકાલથી માર્ગ સુધારણાની માગ સાથે 'નો રોડ નો ટોલ'ના સૂત્રને અનુસરી હડતાળ ઉતરી ગયા હતા. અહીંના 5 રાષ્ટ્રીય અને 2 રાજ્ય ધોરીમાર્ગે આવેલા કુલ 7 ટોલ પ્લાઝા સામે પરિવહન વ્યવસાય કરતા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રદર્શનથી 40થી 45 હજારના નાના મોટા વાહનોના પૈડાં થંભી ગયા હતા.
કંડલા ડમ્પર એસોશિએશનના પ્રમુખે શિવાભાઈ આહીરે જણાવ્યુ હતું કે, આ નિર્ણયને પગલે હડતાળ સમેટી લઈને પરીવહન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બેઠકમાં ગાંધીધામ ચેમ્બર પ્રમુખ મહેશ પુંજ, ગાંધીધામ ચેમ્બર મંત્રી મહેશ તીર્થાની, ટેન્કર એસોસિએશન પ્રમુખ સામજી આહીર અને કન્ટેનર એસોસિએશન મંત્રી ભગીરથસિંહ જોડાયા હતા અને સર્વાનુમતે આ નિર્ણય સ્વીકારી લેવામાં આવ્યો છે.