આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર, મહાદેવજીના મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઊમટી પડ્યાં
- સોમનાથમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ,
- ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક, દુધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને પૂજા-અર્ચના કરી,
અમદાવાદઃ આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે રાજ્યભરના શિવ મંદિરોમાં દર્શન માટે ભાવિકોની વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી હતી. ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી મંદિરોનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. સોમનાથ મહાદેવ અને ભવનાથ મહાદેવ જેવા સુપ્રસિદ્ધ મંદિરોમાં શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં ઊભા રહીને મહાદેવના દર્શન કરી રહ્યા છે. શ્રાવણના આ પવિત્ર દિવસે ભક્તો શિવલિંગ પર જળાભિષેક, દુધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે.
પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની ભારે ભીડ જામી હતી. વહેલી સવારે 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલી દેવાયા હતા. સવારથી જ ભાવિકોની લાંબી કતારો લાગી હતી. સોમનાથ મહાદેવની વહેલી સવારે 6 વાગ્યે દિવ્ય મહાપૂજા સોમપુરા તીર્થપુરોહિતો દ્વારા કરવામાં આવી હતી. આ દરમિયાન મંદિરમાં ભક્તોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આજે ભક્તો માટે માત્ર પૂજા-અર્ચના જ નહીં, પરંતુ એક ઉત્સવ જેવો માહોલ છે. ઘણા ભક્તો પગપાળા ચાલીને દર્શનાર્થે પહોંચ્યા છે. શ્રાવણના બીજા સોમવારે મહાદેવના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે અને પોતાના જીવનને સફળ બનાવી રહ્યા છે.
ગુજરાતના તમામ શિવ મંદિરોમાં આજે ભાવિકોએ મહાદેવજીને જળાભિષેક, દુધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને પૂજા-અર્ચના કરી હતી, બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે નિલકા નદીના કાંઠે આવેલું ભીમનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તોથી ધમધમી ઉઠ્યું. આ મંદિર સાડા પાંચ હજાર વર્ષ પુરાણું અને રાજ્યનું એકમાત્ર શિખર વગરનું મંદિર છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચ્યા હતા. ભક્તોએ મહાદેવની પૂજા, અર્ચના, અભિષેક અને મહાઆરતીના દર્શન કર્યા. સમગ્ર મંદિર પરિસર હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભાવનગરના સુપ્રસિદ્ધ તખ્તેશ્વર મહાદેવ મંદિરમાં શિવભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાવનગર શહેરની મધ્યમાં એક નાનકડી ટેકરી પર આવેલું આ પૌરાણિક મંદિર, ભાવેણાવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર 120 વર્ષથી પણ વધુ જૂનું છે અને સંપૂર્ણપણે સફેદ આરસપહાણના પથ્થરોથી ઊંચી પ્લીંથ પર બાંધવામાં આવ્યું છે. તેની ઊંચાઈ એવી છે કે અહીંથી આખું ભાવનગર શહેર જોઈ શકાય છે.
પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આજના દિવસને જડેશ્વર દાદાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આજે મંદિરના પટાંગણમાંથી જડેશ્વર દાદાની રવાડી કાઢવામાં આવી હતી. આ રવાડી મેળાના ગ્રાઉન્ડ સુધી ગઈ હતી અને ત્યાર બાદ મંદિરે પરત ફરી હતી. રવાડી સમાપ્ત થયા બાદ નિજ મંદિરમાં મધ્યાહન મહાઆરતી યોજાઈ હતી, જેમાં હજારો શિવભક્તોએ ભાગ લીધો હતો. આરતી બાદ મોટી સંખ્યામાં ભક્તો માટે ભંડારા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.