આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા
- ઘેલા સોમનાથ મહાદેવને ચાંદીના વરખનો દિવ્ય શણગાર,
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી,
- સોમનાથ મંદિરમાં વહેલી સવારથી દર્શન માટે ભાવિકોની લાંબી લાઈનો લાગી
અમદાવાદઃ આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી ગુજરાતભરના શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા હતા. વહેલી સવારથી લોકો મહાદેવજીના દર્શન અને પૂજા કરવા માટે શિવ મંદિરોમાં ઉમટ્યા હતા. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં વહેલી સવારથી ભાવિકોની લાઈનો જોવા મળી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સોમનાથ મહાદેવજીના દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી. જ્યારે ઘેલા સોમનાથ મંદિરમાં પણ દર્શન માટે ભાવિકો ઉમટી પડતા મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. ઘેલા સોમનાથ મહાદેવને ચાંદીના વરખનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે,
પવિત્ર શ્રાવણ માસનો આજે ચોથો અને અંતિમ સોમવાર છે, જે શિવભક્તો માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. છેલ્લા સોમવારના કારણે ગુજરાતભરનાં શિવાલયોમાં શ્રદ્ધાળુઓનો અદભુત પ્રવાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મંદિરો ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી રહ્યાં છે. ભક્તોની લાંબી કતારો દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડી છે. શ્રદ્ધાળુઓ શિવલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને મહાદેવની ઉપાસના કરી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન કરેલી ભક્તિની પૂર્ણાહુતિના ભાગરૂપે ભક્તો વિશેષ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ગુજરાતના મુખ્ય શિવ મંદિરો જેવા કે સોમનાથ, નાગેશ્વર, ઘેલા સોમનાથ, નિષ્કલંક મહાદેવ, જડેશ્વર, સ્તંભેશ્વર અને ભવનાથ સહિતના તમામ મંદિરોમાં ભક્તિનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. આજના દિવસે મહાદેવનાં દર્શન કરીને ભક્તો પોતાના જીવનને સફળ બનાવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ પાવન અવસરે, તેમણે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવીને જળાભિષેક કર્યો અને વિધિવત્ રીતે સોમેશ્વર મહાપૂજા પણ કરી.
પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે જસદણ નજીક આવેલા સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવને ચાંદીના વરખનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આ શણગારમાં સમગ્ર શિવલિંગને ચાંદીના વરખથી સજાવવામાં આવ્યું હતું. ચાંદીના વરખની ચમક અને ભવ્યતાને કારણે મહાદેવનું સ્વરૂપ વધુ મનોરમ્ય લાગી રહ્યું હતું. જ્યારે ભાવનગરના જશોનાથ ચોકમાં આવેલું પ્રાચીન જશોનાથ મહાદેવ મંદિર કાશી વિશ્વનાથની પ્રતિકૃતિ સમાન ગણાય છે. સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ મંદિર બાદ, જશોનાથ મહાદેવ મંદિર એવું બીજું મંદિર છે જ્યાં ભગવાન શિવનો સંપૂર્ણ પરિવાર બિરાજમાન છે.
ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, પોરબંદર, કચ્છ. સાબરકાંઠા, બનાસકાંઠા. અરવલ્લી સહિત તમામ જિલ્લાઓના શિવ મંદિરોમાં ભાવિકો મહાદેવજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા.