આજે, ભારત સહકારિતાના માધ્યમથી સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં વ્યસ્ત છે: નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. વિકસિત ભારત 2024 માટે સ્થિતિસ્થાપક ગ્રામીણ ભારતનું નિર્માણ એ મહોત્સવની થીમ છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ઉપસ્થિત તમામ લોકોને વર્ષ 2025ની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્ષની શરૂઆતમાં ગ્રામીણ ભારત મહોત્સવનું ભવ્ય આયોજન ભારતની વિકાસ યાત્રાની ઝાંખી કરાવી રહ્યું છે અને તેની ઓળખ ઊભી કરી રહ્યું છે. તેમણે કાર્યક્રમના આયોજન માટે નાબાર્ડ અને અન્ય સહયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણામાંથી જે લોકો ગામડાંઓમાં જન્મ્યા છે અને ઉછર્યા છે, તેઓ ગામડાંઓની સંભવિતતાને જાણે છે. તેમણે વધુમાંહ્યું હતું કે, ગામડામાં રહેતા લોકોમાં પણ ગામની ભાવના વસે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જે લોકો ગામડામાં રહ્યા છે તેઓ પણ જાણે છે કે ગામનું સાચું જીવન કેવી રીતે જીવવું. શ્રી મોદીએ કહ્યું હતું કે, તેઓ નસીબદાર છે કે તેમણે પોતાનું બાળપણ એક નાનકડા નગરમાં સાધારણ વાતાવરણ સાથે વિતાવ્યું છે. તેમણે કહ્યું કે બાદમાં જ્યારે તેઓ શહેરથી બહાર નીકળ્યા ત્યારે તેમણે ગ્રામીણ વિસ્તારમાં સમય પસાર કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મેં મુશ્કેલીઓનો અનુભવ કર્યો છે અને ગામની શક્યતાઓથી પણ વાકેફ છું." તેમણે વધુમાં કહ્યું કે બાળપણથી જ તેમણે જોયું છે કે ગામના લોકો મહેનતુ હોવા છતાં મૂડીના અભાવે યોગ્ય તકો ગુમાવી દે છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિવિધ ક્ષેત્રોમાં ગ્રામજનોની વિવિધ શક્તિઓ હોવા છતાં તેઓ પોતાની પાયાની સુવિધાઓ સંતોષવાની ખોજમાં ખોવાઈ જાય છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ખેડૂતો સામે કુદરતી આપત્તિઓ, બજારો સુધી પહોંચનો અભાવ જેવા વિવિધ પડકારો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ બધું જોયા પછી તેમણે પોતાનાં મનનો ઉકેલ લાવી દીધો હતો અને તેમને પડકારોનો સામનો કરવા પ્રોત્સાહન મળ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં આજે હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યો ગામડાઓના પાઠ અને અનુભવોથી પ્રેરિત છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ 2014થી તેઓ સતત ગ્રામીણ ભારતની સેવામાં લાગેલા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ગ્રામીણ ભારતનાં લોકો માટે સન્માનજનક જીવનની ખાતરી કરવી એ મારી સરકારની પ્રાથમિકતા છે."
તેમણે ઉમેર્યું હતું કે, તેમનું વિઝન એક સશક્ત ગ્રામીણ ભારતને સુનિશ્ચિત કરવાનું, ગ્રામજનો માટે પર્યાપ્ત તકો પ્રદાન કરવાનું, સ્થળાંતરણને ઘટાડવાનું અને ગામડાંનાં લોકોનાં જીવનને સરળ બનાવવાનું છે. તેમણે કહ્યું હતું કે, એટલે સરકારે મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે દરેક ગામમાં એક કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. શ્રી મોદીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, સ્વચ્છ ભારત અભિયાનનાં ભાગરૂપે દરેક ઘરને શૌચાલય પ્રદાન કરવામાં આવ્યું હતું, પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં ભાગરૂપે ગ્રામીણ ભારતમાં કરોડો લોકોને પાકા મકાનો આપવામાં આવ્યાં હતાં અને જલ જીવન મિશન મારફતે ગામડાંઓમાં લાખો ઘરોને સુરક્ષિત અને સ્વચ્છ પીવાનું પાણી સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે લોકોને 1.5 લાખથી વધારે આયુષ્માન આરોગ્ય મંદિરમાં સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે." તેમણે વધુમાં કહ્યું હતું કે, ટેલિમેડિસિન, ડિજિટલ ટેકનોલોજીની મદદથી ગામડાંઓ માટે શ્રેષ્ઠ ડૉક્ટર અને હોસ્પિટલનો વિકલ્પ સુનિશ્ચિત થયો છે. ઈ-સંજીવનીના માધ્યમથી ગ્રામીણ વિસ્તારોમાં કરોડો લોકોને ટેલિમેડિસિનનો લાભ મળ્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, કોવિડ-19 રોગચાળા દરમિયાન દુનિયાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, ભારતનાં ગામડાંઓ કેવી રીતે સામનો કરશે. જોકે, સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે, દરેક ગામમાં છેવાડાનાં વ્યક્તિ સુધી વેક્સિન પહોંચે.
પ્રધાનમંત્રીએ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા ગ્રામીણ સમાજનાં દરેક વર્ગને ધ્યાનમાં લેતી આર્થિક નીતિઓ ઊભી કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમને એ વાતનો આનંદ હતો કે, છેલ્લાં 10 વર્ષમાં સરકારે ગામના દરેક વર્ગ માટે વિશેષ નીતિઓ ઘડી છે અને નિર્ણયો લીધા છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, થોડાં દિવસો અગાઉ મંત્રીમંડળે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને વધુ એક વર્ષ માટે લંબાવવાની મંજૂરી આપી હતી અને ડીએપી પર સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારનાં ઇરાદાઓ, નીતિઓ અને નિર્ણયો ગ્રામીણ ભારતમાં નવી ઊર્જાનો સંચાર કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ ગ્રામીણોને તેમનાં ગામડાંની અંદર મહત્તમ આર્થિક સહાયતા પ્રદાન કરવાનાં લક્ષ્યાંક પર ભાર મૂક્યો હતો, જે તેમને ખેતીમાં જોડાવા અને રોજગારીની નવી તકો ઊભી કરવા સક્ષમ બનાવશે. તેમણે નોંધ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ મારફતે ખેડૂતોને આશરે રૂ. 3 લાખ કરોડની નાણાકીય સહાય મળી છે. છેલ્લાં 10 વર્ષમાં કૃષિ ધિરાણની રકમમાં 3.5 ગણો વધારો થયો છે એની નોંધ લઈને શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, અત્યારે પશુધન અને મત્સ્યપાલક ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પ્રદાન કરવામાં આવી રહ્યાં છે. ઉપરાંત દેશમાં 9,000થી વધારે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફપીઓ)ને નાણાકીય સહાય મળી રહી છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારે છેલ્લા 10 વર્ષમાં અનેક પાક માટે એમએસપીમાં સતત વધારો કર્યો છે.
મોદીએ સ્વામિત્વ યોજના જેવા અભિયાનોની શરૂઆત પર પ્રકાશ પાડ્યો હતો, જેના મારફતે ગ્રામજનોને મિલકતના કાગળો મળી રહ્યા છે. તેમણે નોંધ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં એમએસએમઇને પ્રોત્સાહન આપવા માટે કેટલીક નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, એમએસએમઇને ક્રેડિટ લિન્ક ગેરન્ટી યોજનાથી લાભ થયો છે, જેમાંથી એક કરોડથી વધારે ગ્રામીણ એમએસએમઇને તેનો લાભ મળ્યો છે. તેમણે નોંધ્યું હતું કે, અત્યારે ગ્રામીણ યુવાનોને મુદ્રા યોજના, સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અને સ્ટેન્ડ-અપ ઇન્ડિયા જેવી યોજનાઓનો ટેકો મળી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ ગ્રામીણ પરિદ્રશ્યમાં પરિવર્તન લાવવામાં સહકારી મંડળીઓનાં નોંધપાત્ર પ્રદાન પર પ્રકાશ પાડ્યો હતો. ભારત સહકારનાં માધ્યમથી સમૃદ્ધિનાં માર્ગે અગ્રેસર છે અને આ ઉદ્દેશ પાર પાડવા વર્ષ 2021માં સહકાર મંત્રાલયની સ્થાપના થઈ હતી. તેમણે નોંધ્યું હતું કે, આશરે 70,000 પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (પીએસીએસ)નું કમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવી રહ્યું છે, જેથી ખેડૂતો અને ગ્રામજનોને તેમનાં ઉત્પાદનોનું મૂલ્ય વધારે સારી રીતે મળી શકે, જેથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થઈ શકે.
મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણાં ગામડાઓમાં કૃષિ ઉપરાંત વિવિધ પરંપરાગત કળાઓ અને કૌશલ્યો પ્રચલિત છે, જેમ કે લુહારીકામ સુથારીકામ અને માટીકામ. તેમણે નોંધ્યું હતું કે આ વ્યવસાયોએ ગ્રામીણ અને સ્થાનિક અર્થતંત્રમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે, પરંતુ અગાઉ તેની ઉપેક્ષા કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, તેમના કૌશલ્યને વધારવા અને પરવડે તેવી સહાય પૂરી પાડવા માટે વિશ્વકર્મા યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે, જેનાથી લાખો વિશ્વકર્મા કારીગરોને પ્રગતિની તક મળી રહી છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "જ્યારે ઇરાદાઓ ઉમદા હોય છે, ત્યારે પરિણામો સંતોષકારક હોય છે." તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં કરવામાં આવેલી આકરી મહેનતનો લાભ હવે દેશને મળી રહ્યો છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક મોટા પાયા પરના સર્વેક્ષણને ટાંકીને શ્રી મોદીએ નોંધ્યું હતું કે, વર્ષ 2011ની સરખામણીએ ગ્રામીણ ભારતમાં વપરાશ લગભગ ત્રણ ગણો થઈ ગયો છે, જે સૂચવે છે કે લોકો તેમની પસંદગીની ચીજવસ્તુઓ પર વધારે ખર્ચ કરે છે. અગાઉ ગ્રામજનોને તેમની આવકનો 50 ટકાથી વધુ હિસ્સો ખોરાક પાછળ ખર્ચ કરવો પડતો હતો, પરંતુ આઝાદી પછી પહેલી વખત ગ્રામીણ વિસ્તારોમાં ખોરાક પરનો ખર્ચ 50 ટકાથી નીચે આવી ગયો છે. તેમણે સમજાવ્યું હતું કે, આનો અર્થ એ થયો કે લોકો હવે અન્ય ઇચ્છાઓ અને જરૂરિયાતો પર ખર્ચ કરી રહ્યાં છે, જેથી તેમનાં જીવનની ગુણવત્તા સુધરી છે.
શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે વપરાશમાં અંતર ઘટ્યું હોવાનું બહાર આવ્યું છે તેવા સર્વેક્ષણમાંથી મળેલા અન્ય એક મહત્ત્વપૂર્ણ તારણ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ એવું માનવામાં આવતું હતું કે, શહેરી લોકો ગામડાંઓની સરખામણીએ વધારે ખર્ચ કરી શકે છે, પણ સતત પ્રયાસોથી આ અસમાનતામાં ઘટાડો થયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગ્રામીણ ભારતમાંથી સફળતાની અસંખ્ય ગાથાઓ આપણને પ્રેરિત કરે છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, અગાઉની સરકારોનાં કાર્યકાળમાં આ પ્રકારની ઉપલબ્ધિઓ હાંસલ થઈ શકી હોત, પણ આઝાદી પછીનાં દાયકાઓ સુધી લાખો ગામડાંઓ મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રહ્યાં હતાં. તેમણે ધ્યાન દોર્યું હતું કે એસસી, એસટી અને ઓબીસીની મોટાભાગની વસ્તી ગામડાંઓમાં વસે છે અને અગાઉની સરકારો દ્વારા તેમની ઉપેક્ષા કરવામાં આવી હતી. આને કારણે ગામડાંઓમાંથી સ્થળાંતર થયું, ગરીબીમાં વધારો થયો અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચેનું અંતર વધતું ગયું. સરહદી ગામોને દેશના છેવાડાનાં ગામડાંઓ તરીકેની અગાઉની માન્યતાનું ઉદાહરણ ટાંકીને મોદીએ જણાવ્યું હતું કે, તેમની સરકારે તેમને પ્રથમ ગામડાંઓનો દરજ્જો આપ્યો છે અને તેમના વિકાસ માટે વાઇબ્રન્ટ વિલેજ યોજના શરૂ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરહદી ગામોના વિકાસથી તેમના રહેવાસીઓની આવકમાં વધારો થઈ રહ્યો છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અગાઉ જેમની અવગણના કરવામાં આવતી હતી, તેમને હવે તેમની સરકાર પ્રાથમિકતા આપી રહી છે. પ્રધાનમંત્રીએ આદિવાસી વિસ્તારોનાં વિકાસ માટે પ્રધાનમંત્રી જનમન યોજના શરૂ કરવાનો ઉલ્લેખ કર્યો હતો, જે દાયકાઓથી વિકાસથી વંચિત રહ્યાં હતાં, તેમનાં માટે સમાન અધિકારો સુનિશ્ચિત કરવામાં આવ્યાં હતાં. તેમણે ટિપ્પણી કરી હતી કે, છેલ્લાં 10 વર્ષમાં તેમની સરકારે અગાઉની સરકારોની ઘણી ભૂલો સુધારી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર ગ્રામીણ વિકાસ દ્વારા રાષ્ટ્રીય વિકાસના મંત્ર સાથે આગળ વધી રહી છે.
મોદીએ જણાવ્યું હતું કે, આ પ્રયાસોનાં પરિણામે છેલ્લાં 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે, જેમાંથી મોટા ભાગનાં લોકો ગ્રામીણ વિસ્તારોમાંથી આવ્યાં છે. તેમણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના તાજેતરના અભ્યાસનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં બહાર આવ્યું છે કે ભારતમાં ગ્રામીણ ગરીબી 2012 માં આશરે 26 ટકાથી ઘટીને 2024 માં 5 ટકાથી ઓછી થઈ ગઈ છે. તેમણે નોંધ્યું હતું કે, જ્યારે કેટલાક લોકો દાયકાઓથી ગરીબી નાબૂદ કરવા માટે સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે, ત્યારે દેશમાં હવે ગરીબીમાં વાસ્તવિક ઘટાડો જોવા મળી રહ્યો છે.
ભારતનાં ગ્રામીણ અર્થતંત્રમાં મહિલાઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકતાં અને આ ભૂમિકાને વિસ્તારવા માટે સરકારનાં પ્રયાસો પર ભાર મૂકીને મોદીએ નોંધ્યું હતું કે, મહિલાઓ ગ્રામીણ જીવનને બેંક સખી અને બીમા સખી તરીકે પુનઃવ્યાખ્યાયિત કરી રહી છે તથા સ્વ-સહાય જૂથો મારફતે નવી ક્રાંતિનું નેતૃત્વ કરી રહી છે. તેમણે નોંધ્યું હતું કે, ગામડાઓમાં 1.15 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની છે અને સરકાર 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્યાંક ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, દલિત, વંચિત અને આદિવાસી સમુદાયની મહિલાઓ માટે પણ વિશેષ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.