દિલ્હીમાં પ્રદુષણને ઓછુ કરવા માટે હેલિકોપ્ટની મદદથી વરસાદ કરાશે
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા પ્રદૂષણના સ્તરે લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે AQI 500 સુધી પહોંચી ગયો છે, જેના પછી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. આ દરમિયાન દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ફરી એકવાર કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રીને કૃત્રિમ વરસાદ માટે પત્ર લખ્યો છે. ગોપાલ રાયનું કહેવું છે કે દિલ્હીમાં વાહનો પર સતત નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે અને સ્મોગની ચાદર હટાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા ગોપાલ રાયે જણાવ્યું હતું કે, ઓગસ્ટથી કેન્દ્ર સરકારને સતત પત્ર લખવામાં આવી રહ્યા છે. એક વખત ઓનલાઈન બેઠક પણ યોજાઈ હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારના મંત્રીઓ બેઠક યોજવા તૈયાર નથી. બીજી તરફ દિલ્હી સરકારે કૃત્રિમ વરસાદની તમામ તૈયારીઓ કરી લીધી છે. ગોપાલ રાયે કહ્યું છે કે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે, પછી તે ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, રાજસ્થાન અને બિહાર હોય. આવી સ્થિતિમાં દિલ્હીની અંદર અને તેની આસપાસ ગ્રેપ 4 નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
ગોપાલ રાયે વધુમાં જણાવ્યું હતું કે, અમે વાહનો પર મહત્તમ નિયંત્રણો લાદવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ધુમ્મસની આ ચાદર કેવી રીતે તોડવી? તેથી અમને લાગે છે કે હવે દિલ્હીમાં કૃત્રિમ વરસાદ કરાવવાનો સમય આવી ગયો છે. આ માટે અમે ઓગસ્ટમાં જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જેથી જ્યારે સ્થિતિ ખરાબ થાય ત્યારે તેના પર કામ કરી શકાય.
કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા ગોપાલ રાયે કહ્યું છે કે અમે ઘણા સમયથી કેન્દ્ર સરકારને પત્ર લખીને સમય માંગીએ છીએ. એકવાર તેમની સાથે ઓનલાઈન મીટિંગ થઈ. આવા સંજોગોમાં અમારે અત્યંત દુ:ખ સાથે કહેવું પડે છે કે આજે કેન્દ્રમાં એવી સરકાર બેઠી છે કે જેને ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને આજે નવેમ્બરમાં પણ વારંવાર પત્ર લખ્યા પછી બેઠક બોલાવવાનો સમય નથી. કદાચ આપણે આવો પત્ર બીજા કોઈ દેશના મંત્રીને લખ્યો હોત તો તેમણે મિટિંગ બોલાવી હોત. હું દેશના વડાપ્રધાનને કહેવા માંગુ છું કે તેઓ તેમના મંત્રીઓને બેઠક બોલાવવા કહે.