ગાંધીનગર શહેરને હરિયાળું બનાવવા માટે મ્યુનિ. દ્વારા 1.35 લાખ વૃક્ષો વવાયા
- મિશન મિલિયન ટ્રી હેઠળ મ્યુનિએ 10 લાખ રોપા વાવવાની જાહેરાત કરી છે,
- શહેરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સહયોગ લેવાયો,
- ડમ્પિંગ સાઇટ પર કચરાનો નિકાલ કરીને એક લાખ વૃક્ષો વાવવાનું આયોજન
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરને હરિયાળું બનાવવા માટે મિશન મિલિયન ટ્રી હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન કુલ 10 લાખ વૃક્ષો રોપવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ માટે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સહયોગ લેવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં વિવિધ પદ્ધતિથી શહેરના ખુલ્લા વિસ્તારો, મેદાનો, પ્લોટ વગેરેમાં કુલ 1.35 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. હજુ પણ વરસાદી માહોલ હોવાથી સતત વૃક્ષારોપણની કામગીરી ચાલું રાખવામાં આવી છે.
પાટનગર ગાંધીનગર શહેર હરિયાળુ બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના મ્યુનિના પ્લોટ્સ. રોડ સાઈડ વગેરે સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ચોમાસાના આગમન પહેલા મ્યુનિના સત્તાધિશોએ કુલ 10 લાખ વૃક્ષો રોપવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ માટે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સહયોગ લેવામાં આવી રહ્યો છે. આ વખતે ચોમાસાની શરૂઆત સમયસર થઇ ગઇ હોવાથી મ્યુનિ. દ્વારા ચોમાસાના પ્રારંભથી જ વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત કરી દેવામાં આવી હતી. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, આ ઉપરાંત અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન કરીને તેમને મિયાવાકી અને અન્ય પદ્ધતિથી વૃક્ષો રોપવા જગ્યા ફાળવવામાં આવી હતી. ડમ્પિંગ સાઇટ પર વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનો નિકાલ કરીને 5 લાખ ચોરસમીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. અહીં પણ 1 લાખ વૃક્ષો ઉછેરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગરના પહોળા રસ્તાઓ અને તેની બંને તરફ ઘટાદાર વૃક્ષો તેની આગવી ઓળખ છે, જેને જાળવી રાખવા માટે વિવિધ વિસ્તારોમાં રોડ સાઇડ ટ્રી-ગાર્ડ પ્રોટેક્શન સાથે અંદાજે 40 હજારથી વધુ વૃક્ષોના રોપાનું વાવેતર હાથ ધરવામાં આવ્યું છે. શિક્ષણ અને પર્યાવરણને જોડવાના પ્રયાસરૂપે, પી.એમ. પોષણ યોજના હેઠળ મ્યુનિની શાળાઓમાં બાળકોમાં પર્યાવરણીય જાગૃતિ વધારવા 6600થી વધુ દેશી ફળાઉ રોપાનું વાવેતર અને વિતરણ કરવામાં આવ્યું છે. આંગણવાડીઓમાં 2400થી વધુ ફળાઉ અને ઔષધીય રોપાનું વાવેતર અને વિતરણ પણ કરાયું છે.
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષે મોટા પ્રમાણમાં વૃક્ષો રોપવામાં આવે છે. આ વખતે ઓપરેશન સિંદૂરની થીમ પર સિંદુરના વૃક્ષો વાવવાનું ખાસ અભિયાન પણ ઉપાડવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત, સેક્ટર- 22માં પંચદેવ મંદિર સામે, કોલવડા તળાવ અને અંબાપુર તળાવ ખાતે 7500 જેટલા સિંદૂરના રોપા વાવીને કુલ ત્રણ “સિંદૂરવન”નું નિર્માણ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી વર્ષો સુધી ટકી રહેતા તેમજ વધુ પ્રમાણમાં ઓક્સિજન આપતા દેશી પ્રજાતિના વૃક્ષો રોપવાનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. મ્યુનિની હદ વિસ્તારમાં ગ્રીન આવરણ વધારવા માટે લીમડો, પીપળો, વડ, જામફળ, શેતુર, કેસુડો, અને ગરમાળો જેવી 23,500થી વધુ સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરી ‘’ઓક્સિજન પાર્ક’’ અને ‘’અર્બન ફોરેસ્ટ’’ તૈયાર કરવામાં આવ્યા છે.