તિરૂપતિના દર્શનાર્થીઓ સાથે છેતરપિંડી! જાણો પ્રસાદના ઘીમાં ભેળસેળનો ગોરખધંધો કેવી રીતે ચાલતો હતો?
- ઉત્તરાખંડની ડેરીએ પાંચ વર્ષ સુધી 68 લાખ કિલો નકલી ઘી સપ્લાય કર્યું
- સીબીઆઈ તપાસમાં થયો આઘાતજનક ખુલાસો
- જે ડેરી એક ટીપું દૂધનું ઉત્પાદન નહોતી કરતી તેણે પાંચ વર્ષ સુધી ઘી સપ્લાય કર્યું
તિરુપતિઃ કરોડો હિન્દુ શ્રદ્ધાળુઓ માટે આજે સૌથી આઘાતજનક સમાચાર આવ્યા છે. તિરૂપતિ દેવસ્થાનમ દ્વારા દર્શનાર્થીઓને જે લાડુનો પ્રસાદ આપવામાં આવતો હતો તેમાં તદ્દન નકલી ઘી વપરાતું હતું અને આ ઘી ઉત્તરાખંડની ડેરી દ્વારા પૂરું પાડવામાં આવતું હતું.
આંધ્રપ્રદેશમાં ગયા વર્ષે એનડીએની સરકાર રચાયા પછી રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરૂપતિ મંદિરની મુલાકાત દરમિયાન દાવો કર્યો હતો કે મંદિરના પ્રસાદમાં જે ઘી વપરાય છે તેમાં ભેળસેળ થતી હોવાની આશંકા છે. 2024માં તેમણે કહ્યું હતું કે તેમની પાસે આ અંગે ફરિયાદ આવી છે અને તેની યોગ્ય તપાસ કરાવવામાં આવશે.
નકલી ઘીના આક્ષેપ બાદ તપાસના ચોંકાવનારાં તારણો
આ અંગે હવે સીબીઆઈના નેતૃત્વ હેઠળ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેવિટવ ટીમ (એસઆઈટી) દ્વારા થયેલી તપાસનો અહેવાલ આવ્યો છે જેમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે તિરૂપતિ મંદિરના પ્રસાદના લાડુમાં જે ઘી વપરાતું હતું તે સદંતર નકલી હતી.
તપાસ અહેવાલ અનુસાર આ કેસમાં ધરપકડ કરાયેલા અજયકુમાર સુગંધે ભોલે બાબા ઓર્ગેનિક ડેરીને વિવિધ રસાયણો પૂરા પાડ્યા હતા જેમાંથી ડેરીના સંચાલકો નકલી ઘી તૈયાર કરતા હતા. આ ઘી તિરૂપતિ મંદિરને પ્રસાદ બનાવવા માટે પૂરું પાડવામાં આવતું હતું.
કોણે અને કેવી રીતે આચર્યું આ કૌભાંડ?
એસઆઈટી દ્વારા આરોપીના રિમાન્ડ માટે નેલ્લોરની એસીબી કોર્ટમાં જે અહેવાલ સુપરત કરવામાં આવ્યો તેમાં અનેક આઘાતજનક ખુલાસા કરવામાં આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, ઉત્તરાખંડના ભગવાનપુર ખાતે પોરમિલ જૈન અને વિપિન જૈન દ્વારા સ્થાપવામાં આવેલી ભોલે બાબા ઓર્ગેનિક ડેરીએ કદી કોઈ દૂધની ખરીદી કરી જ નહોતી. આ ડેરી દ્વારા 2019થી 2024 સુધી 68 લાખ કિલો ઘી પૂરું પાડવામાં આવ્યું હતું, જેના માટે તિરૂપતિ ટ્રસ્ટ દ્વારા રૂ. 250 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.
તપાસમાં ખુલાસો થયો કે પોમિલ જૈન અને વિપિન જૈને ખોટમાં ચાલી રહેલી એક ડેરી ખરીદી હતી અને ત્યાં હર્ષ ફ્રેશ ડેરી નામે ડેરી શરૂ કરી હતી. આ સ્થળ ભોલે બાબા ડેરી પ્લાન્ટથી બે કિમી દૂર છે. ત્યારબાદ જૈન બંધુઓએ દિલ્હીની કંપની બજેસ એન્ડ બજેસ પાસેથી ખૂબ મોટી માત્રામાં પામ ઓઈલ ખરીદવાનું શરૂ કર્યું હતું. બજેસ એન્ડ બજેસ કંપની મલેસિયાથી પામ ઓઈલ આયાત કરે છે.
એકપણ ટીપું દૂધની ખરીદી વિના ઘી બનાવ્યું કેવી રીતે?
આ પછી બંનેએ અજયકુમાર સુગંધ તથા દિલ્હીસ્થિત એરિસ્ટો કેમિકલ્સ પાસેથી મોનો ગ્લીસેરાઈડ, એસિટિક એસિડ ઇસ્ટર, લેકટિક એસિડ, બેટા કેરોટિન, કૃત્રિમ ઘીનું એસેન્સ વગેરેની ખરીદી કરી હતી અને એમાંથી બનાવેલું ઘી તિરૂપતિ મંદિરના પ્રસાદ માટે મોકલાવતા હતા.