For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બિહારમાં પ્રારંભિક મતગણતરીમાં NDA અને મહાગઠબંધન વચ્ચે કટોકટ લડાઈ

09:05 AM Nov 14, 2025 IST | revoi editor
બિહારમાં પ્રારંભિક મતગણતરીમાં nda અને મહાગઠબંધન વચ્ચે કટોકટ લડાઈ
Advertisement
  • પોસ્ટલ મતોની ગણતરીમાં બંને જૂથ વચ્ચે તફાવતનો ગાળો નહિવત
  • સમાચાર ચેનલોની વિચારધારા પ્રમાણે રૂઝાનના આંકડામાં તફાવત

પટણા, 14 નવેમ્બર, 2025: counting of votes in Bihar બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે આઠ વાગ્યે શરૂ થઈ ગઈ છે. ગણતરી શરૂ થયાના એક કલાક પછી, હાલ શુક્રવારે સવારે નવ (9) વાગ્યે મતગણતરીના રૂઝાન કોઈ એક તરફી હોય એવું જણાતું નથી. વિવિધ સમાચાર ચૅનલ ઉપર પ્રસારિત થઈ રહેલા રૂઝાનના આંકડામાં પણ જે તે મીડિયાની વિચારધારા પ્રમાણે આંકડાકીય તફાવત જોવા મળે છે. એક તરફ મોટાભાગની ચેનલો એનડીએ ગઠબંધનને બહુમતી મળી રહી હોય એવું દર્શાવી રહી છે તો કેટલીક ચેનલમાં મહાગઠબંધન પ્રચંડ બહુમતી તરફ આગળ વધી રહ્યું હોવાનું પણ દર્શાવવામાં આવી રહ્યું છે.

Advertisement

જોકે, આ સમગ્ર સ્થિતિમાં સત્તાવાર કહી શકાય તેવી ચૂંટણીપંચની વેબસાઈટ અનુસાર સવારે નવ વાગ્યે એનડીએ પાંચ બેઠકો ઉપર, જ્યારે મહાગઠબંધન ત્રણ બેઠકો ઉપર આગળ છે. એથી વિરુદ્ધ વિવિધ સમાચાર ચેનલ ઉપર એનડીએ ગઠબંધન 80 કરતાં વધુ અને આરજેડી ગઠબંધન 50 કરતાં વધુ બેઠકો ઉપર આગળ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

નોંધપાત્ર છે કે, બિહાર વિધાનસભા માટે 6 અને 11 નવેમ્બરે મતદાન થયું હતું અને આજે 14 નવેમ્બરે સવારે મતગણતરી શરૂ થઈ છે. ચૂંટણી પહેલાં યોજાયેલા ઓપિનિયન પોલ તેમજ 11મી નવેમ્બરે યોજાયેલા એક્ઝિટપોલમાં મોટાભાગે એનડીએના વિજયની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જોકે કેટલીક એજન્સીઓ તેમજ કેટલીક સમાચાર ચેનલોએ આરજેડીના નેતૃત્વ હેઠળના મહાગંઠબંધનની જીતની સંભાવના પણ વ્યક્ત કરી હતી.

Advertisement

બિહારમાં કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત રેકોર્ડ મતદાન થયું હતું અને તેમાંય મહિલા મતદારોએ આ વખતની ચૂંટણીમાં પુરુષો કરતાં સરેરાશ વધુ મતદાન કરીને એક નવો ટ્રેન્ડ સ્થાપિત કર્યો હતો. રાજ્યમાં પહેલા તબક્કામાં છઠ્ઠી નવેમ્બરે 64.66 % ટકા મતદાન નોંધાયું હતું જ્યારે બીજા તબક્કામાં 11 નવેમ્બરે 66.91% મતદાન નોંધાયું હતું. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર 1951 પછી સૌપ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં મતદાન થયું હતું. બિહારમાં આ વખતે મહિલા મતદારોએ પુરુષોની સરખામણીમાં સરેરાશ 7થી 8 ટકા વધુ મતદાન કર્યું હોવાનું ચૂંટણીપંચના આંકડા જણાવે છે. અને તેથી કદાચ આજે સાંજ સુધીમાં જે કોઈ પરિણામ આવે તેમાં મહિલા મતદારો નિર્ણાયક હશે.

Advertisement
Tags :
Advertisement