ચંદીગઢ નેશનલ હાઈવે પર ધુમ્મસને કારણે ત્રણ વાહનો અથડાયા, ચારનાં મોત
નવી દિલ્હીઃ હિસાર-ચંદીગઢ નેશનલ હાઈવે પર ઉલ્કાનાના સુરેવાલા ચોક પાસે ગાઢ ધુમ્મસના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ અને જે બાદ પાછળથી આવતી અન્ય કાર પણ કાર સાથે અથડાઈ હતી. જ્યારે કેટલાક લોકો રાહત માટે પહોંચ્યા ત્યારે પાછળથી આવતી એક ટ્રકે લોકો પર ચડી ગયો હતો. આ પછી ટ્રક પણ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. કેટલાક લોકો ઘાયલ થયા છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ મૃતકોની ઓળખ મેળવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, શનિવારે સવારે એક કાર ઉકલાનાના સુરેવાલા ચોકથી ચંદીગઢ તરફ જઈ રહી હતી, ગાઢ ધુમ્મસને કારણે કારે કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જે બાદ તે પલટી ગઈ હતી. આ કારની પાછળ આવતી બીજી કારનો ચાલક પણ બ્રેક લગાવી શક્યો ન હતો. તેમની કાર પણ અકસ્માતગ્રસ્ત કાર સાથે અથડાઈ હતી. કારમાં ફસાયેલા ઘાયલ લોકોને બચાવવા માટે આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોકો કાર ચાલકોને નિકાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ચંદીગઢ તરફથી આવી રહેલી એક ટ્રકે રાહત માટે આવેલા લોકોને કચડી નાખ્યા હતા. જે બાદ ટ્રક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયાની પ્રાથમિક માહિતી છે. જેમની હજુ સુધી ઓળખ થઈ નથી, માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી.