અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં રોડ પર સાઈન બોર્ડ પડતા ત્રણ લોકો ઘવાયા
- એક્ટિવા પર સાઈન બોર્ડ તૂટી પડ્યુ,
- એક્ટિવાસવાર મહિલાને ઈજા, એક બાળકનો હીથ ભાંગી ગયો,
- AMCના સાઈનબોર્ડની મજબુતાઈ સામે સવાલો ઊઠ્યા
અમદાવાદઃ શહેરના કાંકરિયા વિસ્તારમાં પુષ્પકૂંજ પાસે મ્યુનિ.કોર્પોરેશનનું સાઈન બોર્ડ અચાનક ધરાશાયી થતાં એક્ટિવા પર જતાં બે નાના બાળકો અને મહિલાને ઈજાઓ પહોંચી હતી. ત્રણેય ઇજાગ્રસ્તને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. શહેરમાં જાહેરખબર હોર્ડિંગ અને સાઈનબોર્ડ હવે લોકો માટે ભયજનક બની રહ્યાં છે, ગમે ત્યારે ધરાશાયી થવાની ઘટના બની રહી છે.
શહેરના કાંકરિયા-પુષ્પકુંજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું સાઈનબોર્ડ એકાએક ધરાશાયી થયું હતું. જેના કારણે વાહન પર જતાં નાનાં બાળક સહિત ત્રણ લોકોને ઈજા થઈ હતી. ત્રણેય ઇજાગ્રસ્તને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કોર્પોરેશનનું સાઈનબોર્ડ એકાએક ધરાશાયી થતા મ્યુનિના સ્ટ્રક્ચર્સ સ્ટેબિલિટી પર અનેક સવાલો ઊભા થયા છે.
આ બનાવની વિગતો એવી હતી કે, બાળકી જિયા જૈને સ્પોર્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હોવાથી દીપમાલા જૈન અને દિવ્યાંગ જૈન ત્રણેય ગતરાત્રિના એક્ટિવા લઈને મણીનગર બાગથી કાકરીયા તરફ ફરવા અને નાસ્તો કરવા માટે ગયાં હતાં. જે દરમિયાન કાંકરિયાના ગેટ નંબર એક પુષ્પકુંજ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસ્તાર અને રોડની માહિતી આપતું સાઈન બોર્ડ એકાએક ધરાશાયી થઈને એક્ટિવા પર પડતા દીપમાલા જૈન, દિવ્યાંગ જૈન અને જિયા જૈનને શરીરે ઈજાઓ થઈ હતી. સાઈન બોર્ડ પડવાની ઘટનાના પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. તાત્કાલિક ધોરણે તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે મણીનગરની એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા અને વિસ્તારની માહિતી આપતાં સાઈનબોર્ડ લગાવવામાં આવ્યાં છે. મુંબઈમાં જાહેર ખબરના હોર્ડિંગ પડવાની ઘટના બાદ શહેરમાં તમામ વિસ્તારમાં જેટલા પણ ખાનગી હોડિંગ લગાવવામાં આવેલા છે. તેના સ્ટ્રક્ચર સર્ટિફિકેટ લઈને તેને કોર્પોરેશનમાં જમા કરાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, એએમસી દ્વારા મોટા સાઈન બોર્ડ લગાવવામાં આવેલા છે, તેના સ્ટ્રક્ચર સામે હવે સવાલ ઊભા થઈ રહ્યા છે. એએમસીના આવા અનેક સાઈન બોર્ડ આવેલા છે, જેના સ્ટ્રક્ચર સર્ટિફિકેટ મેળવવામાં આવ્યા છે કે કેમ? તેની સ્ટ્રકચર વેલિડિટી કેટલી છે તે અંગે હવે તપાસ કરવી જરૂરી છે.