દિલ્હીમાં માદક દ્રવ્યોના બે કેસમાં બે મહિલા સહિત ત્રણની ધરપકડ
નવી દિલ્હીઃ દેશમાંથી ડ્રગ્સના દુષણને ડામવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા કવાયત તેજ બનાવવામાં આવી છે. દરમિયાન દિલ્હીમાંથી સુરક્ષા એજન્સીઓએ બે ડ્રગ્સ સિંડિકેટનો પર્દાફાશ કરીને 3 લોકોની ધરપકડ કરી છે. કસ્ટમ વિભાગ અને દિલ્હી પોલીસની અલગ અલગ કાર્યવાહીમાં કુલ ૩૦ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યનું હેરોઇન અને મારિજુઆના જપ્ત કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બેંગકોકથી સિંગાપોર થઇને દિલ્હી પહોંચેલા એક ભારતીય નાગરકિને કસ્ટમ અધિકારીઓએ ટર્મિનલ-૩ પર રોકયો હતો. જ્યારે ગ્રીન ચેનલથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે એક્સ-રે સ્કેનમાં તેની ટ્રોલી બેગમાં શંકાસ્પદ સામગ્રી જોવા મળી હતી. તપાસ દરમિયાન લીલા અને બદામી રંગની બેગમાંથી કાળા રંગના 25 પોલિથીન પેકેટ મળી આવ્યા હતાં. પેકેટ ખોલતા તેમાંથી લીલા રંગનું માદક પદાર્થ મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કીંમત ૨૫ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આરોપી યાત્રીની તરત જ ધરપકડ કરી લેવામાં આવી હતી.
બીજો કેસ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી સાથે સંકળાયેલો છે. જેના સંદર્ભમાં બે મહિલા ડ્રગ્સ સપ્લાયરોની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં તેમની પાસેથી 1049 ગ્રામ હેરોઇન, એક સ્કૂટર, રોકડ અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્ત કરવામાં આવેલ હેરોઇનની કીંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ સિંડિકેટનું સંચાલન 54 વર્ષીય સીમા અને તેમના 43 વર્ષીય ભાભી સમિતા કરી રહ્યાં હતાં.