વેરાવળમાં મોડી રાતે 3 માળનું વર્ષો જૂનું મકાન ધરાશાયી થતાં ત્રણનો મોત
- દૂર્ધટનામાં માતા-પૂત્રી અને મકાન નીચે ઊભેલા બાઈકચાલકનું મોત,
- ફાયર બ્રિગેડના જવાનો અને ખારવા સમાજના યુવાનોએ બચાવ કામગીરી હાથ ધરી,
- મકાનમાં રહેતી બે વ્યક્તિઓનો આબાદ બચાવ
વેરાવળઃ શહેરના ખારાવાડ વિસ્તારમાં આઝાદ ચોકમાં આવેલું 80 વર્ષ જૂનું અને જર્જરિત ત્રણ માળનું મકાન ગત મોડી રાતે ધડાકા સાથે તૂટી પડતા આજુબાજુના સ્થાનિક રહિશો ભરઊંઘમાં ઊઠીને સફાળા દોડી આવ્યા હતા. દરમિયાન આ બનાવની ફાયર વિભાગને જાણ કરતા ફાયર જવાનો તેમજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ત્વરિત રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. આ બનાવમાં કાટમાળ નીચે દબાઈ જવાથી માતા-પુત્રી સહિત ત્રણ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતા. જ્યારે બે વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવી હતી.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના ખારાવાડ વિસ્તારમાં રાત્રે 1.30 વાગ્યા આસપાસ 8 દાયકા જુનું જર્જરિત મકાન ધડાકા સાથે તૂટી પડ્યુ હતું. ત્રણ માળનું મકાન ધડાકા સાથે તૂટી પડતા આજુબાજુના લોકો ભર ઊંઘમાંથી સફાળા જાગીને દોડી આવ્યા હતા. મકાન ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર ફાઇટર, પોલીસ, નગરપાલિકાની ટીમ અને ખારવા સમાજના આગેવાનો તેમજ યુવાનોની ટીમો ઘટનાસ્થળે ધસી ગઈ હતી. રાત્રે શરૂ થયેલી બચાવ કામગીરી હાથ ધરી હતી. સખત મહેનત બાદ કાટમાળ હટાવીને બચાવ ટુકડીઓએ ત્રણ મૃતદેહને બહાર કાઢ્યા હતા.મકાન તૂટી પડવાની આ ઘટનામાં એક બાઇકસવાર વ્યક્તિ, જે મકાન નીચે ઊભી હતી તે પણ કાટમાળ હેઠળ દબાઈ ગઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે મકાનમાં રહેલી બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.
આ દૂર્ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે. જેમાં દિનેશ પ્રેમજી જુંગી (ઉંમર: 34 વર્ષ - બાઇકસવાર), દેવકીબેન શંકરભાઈ સૂયાની (માતા) અને જશોદાબેન શંકરભાઈ સૂયાની (પુત્રી)નો સમાવેશ થાય છે. દેવકીબેન અને જશોદાબેન ખારવાવાડના રહેવાસી શંકરભાઈ સૂયાનીનાં પત્ની અને પુત્રી હતાં. જ્યારે શંકરભાઈ સૂયાની અને એક અન્ય મહિલાનો બચાવ થયો હતો.
સ્થાનિક લોકોના કહેવા મુજબ, ધરાશાયી થયેલું આ મકાન અંદાજે 80 વર્ષ જૂનું હતું અને લાંબા સમયથી તેની હાલત જર્જરિત હતી. જૂના અને જર્જરિત મકાનની જાણ હોવા છતાં મ્યુનિ. દ્વારા યોગ્ય પગલાં ન લેવાતાં આ કરુણ દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર ખારવા સમાજ અને વેરાવળ શહેરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.