અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં ત્રણના મોત, 15ને ઈજા
- ટ્રાવેલ્સની લકઝરી બસ અને કીયાકાર અથડાતા બન્ને ચાલકો સમાધાન કરતા હતા,
- લકઝરી બસના પ્રવાસીઓ નીચે ઉતર્યા હતા,
- પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે રોડ પર ઊભેલા બન્ને વાહનો અને પ્રવાસીઓને અડફેટે લીધા
અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં વધુ એક ત્રિપલ અકસ્માતનો બનાવ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કણભા નજીક સર્જાયો છે. આ ટ્રિપલ અકસ્માતમાં 3ના મોત નિપજ્યા છે. 15 પ્રવાસીઓ ઘવાયા છે. ધવાયેલા તમામ પ્રવાસીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કણભા નજીક લકઝરી બસ, કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર પટેલ ટ્રાવેલ્સની લકઝરી અને કિયા કાર અથડાતા બંનેના ડ્રાઇવર નીચે ઉતરી સમાધાન કરતા હતા તે સમયે જ લક્ઝરી બસમાંથી નીચે ઉતરેલા મુસાફરો પર પાછળથી અચાનક આવેલી ટ્રક ફરી વળી હતી. જેમાં 3ના મોત નિપજ્યા હતા. જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી એક્સપ્રેસ વે પર માત્ર 14 કિલોમીટર દૂર અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ (પટેલ ટ્રાવેલ્સ) અને એક કારનો અકસ્માત થયો હતો. જે અનુસંધાને લકઝરીબસનો ચાલક અને કારનો ચાલક રકઝક કરી રહ્યા હતા. તે દરમિયાન પૂરફાટ ઝડપે આવેલી રાજસ્થાન પાસિંગની ટ્રકે ખાનગી બસને પાછળથી ટક્કર મારી દીધી હતી. આ ગોઝારી ટક્કર બાદ ટ્રાવેલ્સના પેસેન્જરમાંથી ત્રણ વ્યક્તિના મોત થયા છે. આ સાથે ખાનગી બસની અંદર બેઠેલા 15 મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ છે. તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતમાં 15થી વધારે પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા છે. જેમાં મણિનગરની એલજી હોસ્પિટલમાં માત્ર એક જ દર્દી હાલ સારવાર લઈ રહ્યો છે. બાકીના 6 દર્દીઓ પ્રાથમિક સારવાર લઈને રજા આપી દેવામાં આવી છે. એલજી હોસ્પિટલમાં એક મૃતદેહ લાવવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત અન્ય ચાર દર્દી પણ ખાનગી વાહનમાં હોસ્પિટલ આવ્યા હતા. જોકે તેઓ વડોદરાના રહેવાસી હોવાથી ત્યાં સારવાર કરાવવી હોવાથી પ્રાથમિક સારવાર લઈ વડોદરા જવા રવાના થઈ ગયા હતા. મણીનગરની એલજી હોસ્પિટલમાં કુલ 8 લોકો સારવાર લેવા માટે આવ્યા હતા. અસારવા સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ત્રણેય મહિલા દર્દી છે. ત્રણમાંથી 2 મહિલાને ફેક્ચર છે જ્યારે એક મહિલાને માથામાં ઇજા છે. ત્રણેય મહિલાઓ હાલ સારવાર હેઠળ છે.
અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે હાઈવે પર પટેલ ટ્રાવેલ્સની બસ અને કિયા કારના ચાલક વચ્ચે અકસ્માત થયો હતો.અકસ્માત થતા બસ ચાલક અને કિયા કારના ચાલક રસ્તા પર ઊભા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકે બસને ટક્કર મારી હતી. બસને ટક્કર વાગતા પાછળની સીટમાં બેઠેલા 3 મુસાફરોના મોત થયા છે. કેટલાક ઇજાગ્રસ્ત છે જે સારવાર હેઠળ છે.