ભરૂચના શુકતિર્થ નજીક નર્મદા નદીમાં પિતા-પૂત્ર સહિત ત્રણ ડૂબ્યા, બેના મૃતદેહ મળ્યા
- ભરૂચના વેજલપુરનો મિસ્ત્રી પરિવાર ભોગ બન્યો,
- બેકોરટોક રેતી ખનનને લીધે નદીમાં ઊંડા ખાડા પડી ગયા છે,
- નદીમાં નાહવા પડેલા લોકો ઊંડા ખાડામાં ગરકાવ થયા
ભરૂચઃ તાલુકાના શુકલતીર્થ ખાતે નર્મદામાં સ્નાન કરતાં પિતા-પૂત્ર સહિત ત્રણ ડૂબ્યા હતા, બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ મૃતહેહની શોધ ખોળ હાથ ધરી હતી. અને બે મૃતદેહો મળ્યા છે, જ્યારે એકની શોધખોળ કરવામાં આવી રહી છે. નર્મદા નદી કાંઠે રેતી ખનનને લીધે મોટા ખાડા થતાં તેમાં ડૂબી જવાની આ કરૃણાંતિકા સર્જાઇ હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ભરૂચના વેજલપુર ખાતે રહેતાં વસંત મિસ્ત્રી પરિવાર સાથે શુક્લતીર્થ ગામે નર્મદા કિનારે તેમની પત્નીની વિધી કરવા ગયો હતો. દરમિયાનમાં નદીના પાણીમાં ઉતરતાં વસંતભાઇ તેમજ તેમનો પુત્ર બિનીત અને તેમના સંબંધીનો પુત્ર દિશાંત જીતેન્દ્ર મિસ્ત્રી પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં. આસપાસના લોકોએ દોડી આવી પહેલાં દિશાંતનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જે બાદ લાશ્કરોની ટીમ આવતાં તેમણે વસંતભાઇની લાશ બહાર કાઢી હતી. જોકે, બિનીતનો મૃતદેહ મળ્યો ન હતો. જેના પગલે ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગના લાશ્કરોએ શનિવારે રાત્રીના આઠેક વાગ્યા સુધી સતત પ્રયાસ કરવા છતાં તેનો મૃતદેહ મળ્યો ન હતો. દેવદિવાળીએ પૂનમની ભરતી હોવાથી લાશ ખેંચાઇ ગઇ હોવાનું અનુમાન છે. ત્યારે ભરતીના પાણી ઓછો થવા સાથે લાશને પણ પાણીમાં લાંબો સમય થવાથી કિનારા પણ તણાઇ આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે. લાશ્કરોની ટીમ રવિવારે પણ તેને શોધવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા.
શુકલતીર્થ ખાતે કાર્તિકી પૂર્ણિમાના ૬ દિવસના મેળાના દેવદિવાળીએ અંતિમ દિવસે સમગ્ર ગુજરાતમાંથી યાત્રિકો ઉમટતા હોય છે. ત્યારે અંતિમ દિવસે પણ નર્મદા નદીના કાંઠે જાત્રા ચાલુ હોવા છતાં રેતી ખનન ધમધમતું હતું. મેળા બાદ કાંઠે જાત્રામાં આવતા લોકો માટે નર્મદા સ્નાન કરવાનું વિશેષ મહત્વ હોવાના કારણે નદીમાં ડૂબકી લગાવતા હોય છે. બે દિવસ પહેલા એકનું ડૂબી જતા મોત થયું, જ્યારે શનિવારે ત્રણ લોકો ડૂબ્યા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતક કિશોરના પરિવાર સહિત અન્ય લોકોએ પણ દોડી આવી રડતી આંખે આક્રોશ વ્યક્ત કર્યો હતો.