સુરતમાં રાહુલ એપાર્ટમેન્ટ’ ગેન્ગના ગેરકાયદે ત્રણ મકાન તોડી પડાયા
- યુપીની જેમ સુરત પોલીસે પણ બુલડોઝર ફેરવ્યુ
- ગેન્ગના લીડર રાહુલ પીંપડે સામે પોલીસની કડક કાર્યવાહી
- આરોપીએ ત્રણ માળનું ગેરકાયદે મકાન ઊભુ કરી દીધુ હતુ
સુરતઃ ગુજરાતના અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ગુંડાગીરી સામે કડક હાથે કામ લેવા રાજ્યના પોલીસ વડાએ આદેશ આપ્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે. સાથે જ અમાસાજિક તત્વોના ગેરકાયદે મિલ્કતોની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે સુરત શહેરના ઉધના વિસ્તારમાં ‘રાહુલ એપાર્ટમેન્ટ’ નામથી ગેંગ ચલાવતો રાહુલ પીંપડે પર હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું છે. ઉધના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આજે આરોપી રાહુલનાં ત્રણ મકાન પર હથોડો અને બુલડોઝર ચલાવી દેવાતા માથાભારે તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદે બનાવેલાં મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે. આરોપીએ આવાસના મકાનમાં પણ ગેરકાયદે બાંધકામ કર્યું હતું, જેને પણ તોડી પાડવામાં આવ્યું છે.
સુર શહેરના ઉધના વિસ્તારમાં ગેંગસ્ટર રાહુલ પીંપડે દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણ મકાન બાંધવામાં આવ્યાં હતાં, જેનો ઉપયોગ તે અવૈધ પ્રવૃત્તિઓ માટે કરતો હતો. ત્રણ મકાન રાહુલની ગેંગ માટે કેન્દ્રિય હેડક્વાર્ટર તરીકે કામ કરતાં હતાં, જ્યાંથી તે અવૈધ ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો. કાયદાની લાલઆંખ પડતા હવે આ ગેંગના પાયા હચમચી ગયા છે. આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો ડોન છે, જેની સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી છે. આરોપી રાહુલ સામે ગુજસીટોક, મારામારી, હત્યા જેવા 22 ગુના નોંધાયેલા છે.
સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પોલીસની મદદથી ગેન્ગેસ્ટર રાહુલના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યુ હતુ પોલીસની કાર્યવાહી સામે ‘રાહુલ એપાર્ટમેન્ટ’ ગેંગના ડોન રાહુલ પીંપડેની પત્ની કાજલ ભારે નારાજ થઈ ગઈ હતી. પતિ દ્વારા કરાયેલા ગુનાહિત કૃત્યો સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે કાજલે જણાવ્યું હતું કે, રાહુલ સાત વર્ષથી જેલમાં છે અને અત્યારે જ બહાર આવ્યો છે. જો તેની પાસે ગેંગ ચલાવીને પૈસા હોત તો તે અહીં સરકારી આવાસમાં શા માટે રહે? છેલ્લા ત્રણ દિવસથી પોલીસ હેરાન કરે છે, આવીને સામાન બહાર મૂકી દે છે. મેં લવ મેરેજ કર્યા છે અને હવે હું મારા માતાના ઘરે પણ જઈ શકતી નથી.
સુરત મ્યુનિના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉધના વિસ્તારમાં સરકારી આવાસની બહાર રાહુલ દ્વારા ત્રણ ગેરકાયદેસર મકાન બાંધવામાં આવ્યા હતા, જેને સુરત ઉધના પોલીસ અને મ્યુનિની ટીમ દ્વારા તોડી પાડ્યા છે. એટલું જ નહીં, રાહુલ સરકારી આવાસમાં રહે છે, જ્યાં તેણે ઘરની અંદર પણ ત્રણ ફૂટનું ગેરકાયદેસર બાંધકામ કરી દીધું હતું. સુરત મ્યુનિના કર્મચારીઓએ ઉધના પોલીસની મદદથી ગેરકાયદે બાંધકામ તોડી પડાયુ હતુ.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ રાહુલ પીંપડે છેલ્લા 15 વર્ષથી ‘રાહુલ એપાર્ટમેન્ટ’ ગોંગ ચલાવી રહ્યો છે. આ ગેરકાયદેસર ધંધા દ્વારા તે અનેક લોકોને ઉછીના પૈસા આપતો હતો અને પછી ઉઘરાણી માટે ગુંડાગીરી કરતો હતો. તે વિરુદ્ધ ગુજસીટોક સહિત 22 જેટલા ગંભીર ગુના સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. રાજ્ય ડીજીપી દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ સુરતમાં ક્રિમિનલોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં હાલ 9 ગેંગો સક્રિય છે, જેમાં ‘રાહુલ એપાર્ટમેન્ટ’ ગેંગ પણ તેમાં સામેલ છે.