સાણંદના વિરોચનનગર નજીક કાર કેનાલમાં ખાબકતા ત્રણના મોત
- દેસાઈ પરિવાર મેલડી માતાજીના દર્શન કરીને પરત ફરતા કારનો અકસ્માત સર્જાયો
- કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી
- પોલીસે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી
અમદાવાદ : જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરીને પાછા ફરી રહેલા ગાંધીનગરના ઝુંડાલ ગામના રબારી પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી. જેમાં પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે દર્શન કરીને પરત ફરતા કારને અકસ્માત થતા દેસાઈ પરિવારના ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ સૂત્રોમાંથી મૃતકોના નામ કનુભાઇ રૂગનાથભાઇ દેસાઇ, વિશાલકુમાર ગણેશભાઇ દેસાઇ અને દર્શનકુમાર અરજણભાઇ દેસાઇ હોવાનું જાણવા મળ્યું છે. તમામ મૃતકો ઝુંડાલગામ, રબારી વાસ, ગાંધીનગરના રહેવાસી છે
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરીને પાછા ફરતા ક્રેટા કાર કેનાલમાં ખાબકી હતી. ડ્રાઈવરે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી. જેમાં દેસાઈ પરિવારના ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં બે વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. આ ઘટના જાણ વિરોચનનગરમાં થતા તાત્કાલિક 108 ને જાણ કરાતા 108 ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સાણંદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતક પરિવાર ગાંધીનગરના ઝૂંડાલ વિસ્તારના રબારી સમાજના છે. આ અકસ્માતના બનાવ અંગે સાણંદ જી.આઈ.ડી.સી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.